Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વડોદરામાં કોન્‍ટ્રાક્ટરની બેદરકારીના કારણે ૩ લાખ લોકો ઉપર એક દિવસીય પાણીકાપ મુકાયોઃ બ્લેકલિસ્ટ કરવા માંગ

વડોદરા: વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર કોર્પોરેશન દ્વારા એક દિવસીય પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે કરોડો લિટર પાણીનો વ્યય થયો છે. પાણીની લાઈન લીકેજના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પૂરતા પ્રેશરથી લોકોને પાણી મળતું ન હતું. જેના કારણે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ છે. ત્યારે આજે પાણીની લાઈન લીકેજનું સમારકામ કરવાનુ હોવાથી પાલિકાએ એક દિવસીય પાણીનો કાપ મુક્યો છે.

જેના કારણે ૪ પાણીની ટાંકી બાપોદ ટાંકી, નવી જીઆઇડીસી ટાંકી, તરસાલી ટાંકી, કપુરાઇ ટાંકી, સોમા તળાવ બૂસ્ટર અને એરફોર્સ બૂસ્ટર વિસ્તારના ૩ લાખ લોકોને આજે પાણી નથી મળ્યું. મહત્વની વાત છે પાલિકાના અધિકારીઓ છેલ્લા ઘણા દિવસોથી ઓછા પ્રેશરથી પાણીનું વિતરણ કેમ થાય છે તેનો ફોલ્ટ શોધતા હતા અને આખરે ૯ દિવસ બાદ પાલિકાની ટીમને સોમા તળાવ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં મોટું લીકેજ હોવાનો ફોલ્ટ મળ્યો છે.

મહત્વની વાત છે કે વરસાદી કાંસમાં જ પાલિકાએ પાણીની લાઈન નાખી હતી. પાલિકાએ ખુલ્લી વરસાદી કાંસ પર આરસીસીનો સ્લેબ કર્યો હતો જેને પાલિકાની ટીમે તોડી નાખ્યો છે અને તોડ્યા બાદ પાણીની લાઈન લીકેજની કામગીરી શરૂ કરી છે. કોન્ટ્રાક્ટરે ત્રણ વર્ષ પહેલા જ પાણીની લાઈન નાખી હતી જે કોહવાઈ જતાં પાણીની લાઈન લીકેજ થઈ છે. પાલિકા હવે નવેસરથી ૧૮ મીટર જેટલી નવી પાણીની લાઈન નાખશે. કોંગ્રેસ કોર્પોરેટર હેમાંગિની કોલેકરે હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. તો પાલિકાના સત્તાધીશો પાણીની લાઈન લીકેજની કામગીરી બાદ પાણીની સમસ્યા ઉકેલાઈ જશે તેવો દાવો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે શું પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે છે કે પછી તેને નિર્દોષ છોડી મૂકી છે.

(5:26 pm IST)