Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

નવજીવન એક્સપ્રેસ હવે એલએચબી કોચની સાથે

યાત્રીઓના ધસારાને ધ્યાનમાં લઇને રેલવેનો નિર્ણય : નવજીવન એક્સપ્રેસ ૨૨ કોચ સાથે ચાલશે : અન્ય ટ્રેનમાં પણ વધારાના કોચ ઉમેરાયા : હજુ ધસારો જોરદાર જારી

અમદાવાદ, તા. ૩  : અમદાવાદથી એમજેઆર ચેન્નાઈ સેન્ટ્રલની વચ્ચે દોડતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન હવે એલએચબી રેંકની સાથે દોડશે. રેલવે વહીવટીતંત્ર તરફથી યાત્રીઓની આરામદાયક યાત્રાને ધ્યાનમાં લઇને ટ્રેન સંખ્યા ૧૨૬૫૬-૧૨૬૫૫ અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસમાં આજે રવિરવાના દિવસથી નવી સુવિધા ઉમેરવામાં આવી છે. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી તથા પાંચમી નવેમ્બરથી અમદાવાદથી નવી આધુનિક એલએચબી રેંકની સાથે ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં હવે એક કોચ દિવ્યાંગ યાત્રીઓ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા રેટ મુજબ એક ફર્સ્ટ એસી, એક સેકન્ડ એસી, પાંચ થર્ડ એસી, ૧૦ સ્લીપર, એક પેન્ટ્રી કાર અને બે સામાન્ય શ્રેણીના કોચ સહિત ૨૨ કોચ રહેશે.

               તહેવારને ધ્યાનમાં લઇને યાત્રીઓના ધસારાને જોતા પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-વારાણસી એક્સપ્રેસ અને ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. ટ્રેન સંખ્યા ૧૯૫૭૩-૧૯૫૭૪ ઓખા-જયપુર એક્સપ્રેસમાં વધારાના એક એસી થ્રી ટાયર કોચ જોડવામાં આવ્યા છે. આવી જ રીતે અમદાવાદ તહેવારના દિવસોમાં યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં લઇને પશ્ચિમ રેલવે તરફથી ટ્રેન સંખ્યા ૧૨૯૪૯-૧૨૯૫૦ પોરબંદર એક્સપ્રેસમાં પોરબંદરથી તથા સાંત્રાગાછીથી એક થર્ડ એસી અને એક સ્લીપર શ્રેણીના કોચ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં ટ્રેનોમાં હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. રિઝર્વેશન ટિકિટો ઉપલબ્ધ થઇ રહી નથી. મોટી સંખ્યામાં લોકોને દિવાળી પર ઉંચા ખર્ચ કરીને બસમાં બે ગણા અને ત્રણ ગણા ભાડા સાથે પોતાના વતનમાં જવાની ફરજ પડી છે. યોગ્ય આયોજન નહીં હોવાના લીધે આ પ્રકારની સમસ્યા ટ્રેનોમાં દર વર્ષે તહેવારના દિવસોમાં સર્જાઈ જાય છે.

(9:34 pm IST)