Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

દસ્ક્રોઈ ધટક- ૧ની આંગણવાડીઓમાં રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન દ્વારા ૭ કોમ્પ્યુટર આપવામાં આવ્યા

અનુક્રમ ફાઉન્ડેશન તરફથી ૧૪૪ સેનેટરી નેપકીનના પેડના બોક્સ આપવામાં આવ્યા : બાળકો કોમ્પ્યુટર મારફતે બેઝીક જ્ઞાન મેળવી શકશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :આઈ.સી.ડી.એસ.દસ્ક્રોઈ ધટક -૧ અને રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દસ્ક્રોઈ ધટક- ૧ની આંગણવાડીઓમાં રોટરી ક્લબ  ઓફ કોસ્મો પોલીટન દ્વારા ૭ (સાત) કોમ્પ્યુટર આંગણવાડીમાં આપવામાં આવ્યા હતા. અનુક્રમ ફાઉન્ડેશન તરફથી ૧૪૪ સેનેટરી નેપકીનના પેડના બોક્સ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન પઢાર,  જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામલિયા, તાલુકા પંચાયત પ્રમુખ, રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના પ્રમુખ, વિભાગીય નાયબ નિયામક ક્રિષ્નાબેન વૈષ્ણવી, જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રોગ્રામ ઓફીસર આઈ.સી.ડી.એસ પારૂલ નાયક, દસ્ક્રોઈ – ૧ના બાળ વિકાસ યોજનાના અધિકારી દર્શનાબેન પટેલ, રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના સભ્યો અને અનુક્રમ ફાઉન્ડેશનના સભ્યો, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા હાજર રહ્યા હતા.
  આ કાર્યક્રમમાં દસ્ક્રોઈ – ૧ના બાળ વિકાસ યોજનાના અધિકારી દર્શનાબેન પટેલ દ્વારા સર્વેનું સ્વાગત કરી આવકારી અને તમામનો આભાર પણ વ્યક્ત કર્યો કે આંગણવાડીમાં ખરેખર જે વસ્તુની જરૂરીયાત છે તે આ રોટરી ક્લબના સહયોગ થી પુરી થઇ છે. આ રોટરી ક્લબ મારફતે દસ્ક્રોઈ ધટક – ૧માં સ્માર્ટ ટી.વી. આપી નાના ભુલકાઓને પ્રોત્સાહિત કરેલ છે. આ ટી.વી.ના માધ્યમથી કોરોના કાળમાં પણ આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા બહેનોને પણ સેટકોમ,  વિ.સી. મારફતે પણ સુચનાઓ અને માર્ગદર્શન પુરુ પાડતાં ખુબ જ અગત્યની કામગીરી પણ તેમના દ્વારા કરી શકાયેલ છે.
  જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયા દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે આપણા આંગણવાડીના બાળકોને વિશેષ રૂપથી પુર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાય તેના ભાગરૂપે રોટરી ક્લબે નવી પહેલ કરીને રોટરી કલબે આપણને ૭ ડિજીટલ સ્ક્રીન (કોમ્પ્યુટર) આપ્યા છે. ડિજીટલ સ્ક્રીનના માધ્યમ દ્વારા બાળકોને શિખવવાની વિશેષ જવાબદારી આંગણવાડી કાર્યકરની થાય છે. ડિજીટલ સ્ક્રીનના ઉપયોગથી બાળકોનો વિકાસ થાય તે જોવાની જવાબદારી આપણી શરૂ થાય છે. સાથે સાથે આપણે કિશોરીઓના સ્વાસ્થય સેવાઓ માટેના ઘણા પ્રયત્નો કરી રહ્યા છીએ. આંગણવાડીની પાયાની સેવાઓમાં સહાયક બનવા માટે આપણે આ સંસ્થાઓના આભારી છીએ.
  રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના પ્રમુખ દ્વારા રોટરી ક્લબ વિષે જણાવતા કહ્યુ કે રોટરી ક્લબ દ્વારા ઓડીયો, વિડીયો લર્નીંગ માટે પ્રથમ તબક્કામાં દસ્ક્રોઈ – ૧ ધટકમાં ૫૦ ટેલીવીઝન આપવામાં આવેલ છે. આજના સમયની જરૂરીયાતને પારખી આંગણવાડીના ભુલકાઓ માટે ૭ ડિજીટલ સ્ક્રીન (કોમ્પ્યુટર) આપવામાં આવે છે. કારણ કે ડિજીટલ સ્ક્રીન (કોમ્પ્યુટર) એવી વસ્તુ છે. જેમાં બાળકો આપો આપ શિખશે અને સાથે સાથે આનંદ માણી શકશે. જે બાળકોના સર્વાગી વિકાસમાં મદદરુપ બનશે.

(6:51 pm IST)