Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ભાલેજ નજીક કારે ડિવાઈડર સાથે અથડાયા બાદ રિક્ષાને હડફેટે લેતા એક શખ્સનું મોત

નડિયાદ : આણંદના ભાલેજ ગામ પાસે આવેલા ગામડી ઓવરબ્રિજ પાસે શનિવારેની રાત્રિએ એક કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ રિક્ષાને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતમાં નડિયાદના નોવેલ્ટી મેન તરીકે ઓળખાતા વ્યક્તિનું ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેમના ભાઈ અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી.

આણંદના ભાલેજ ગામ પાસે નેશનલ હાઈવે પર ગામડી ઓવરબ્રિજ પર એક કાર ડીવાઈડર સાથે અથડાતા કારમાં સવાર નડિયાદના નોવેલ્ટી મેન તરીકે ઓળખાતા અને શહેરના  રિટાયર્ડ રિમાન્ડહોમના સુપ્રિટેન્ડન્ટ નવીનભાઈ બરોટને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારમાં સવાર એક વ્યકિતને ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ એક રિક્ષા સાથે અથડાતા રિક્ષા પણ પલટી ગઈ હતી. જેમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઇજાગ્રસ્ત ની ઓળખ હજુ જાહેર કરાઈ નથી.

 

(6:15 pm IST)