Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નડિયાદના 'નોવેલ્ટી મેન' તરીકે ઓળખાતા નવીનભાઈ બારોટનું માર્ગ અકસ્માતમાં નિધન

આણંદના ગામડી પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા નવીનભાઈનું નિધન: ચાહકોમાં શોકનો માહોલ

નડિયાદના 'નોવેલ્ટી મેન' તરીકે ઓળખાતા નવીનભાઈ બારોટનું માર્ગ અકસ્માતમાં નિધન થતા તેના ચાહકોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક નવીનભાઈ તેના અવનવા કલરફુલ પહેરવેશને લઈ અલગ લોકચાહના ધરાવતા હતા. આણંદના ગામડી પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા નવીનભાઈનું નિધન થયું હતું. તો અન્ય એક કાર સવાર વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આણંદના ભાલેજ ગામ પાસે નેશનલ હાઈવે પર ગામડી ઓવરબ્રિજ પર એક કાર ડીવાઈડર સાથે અથડાતા કારમાં સવાર નવીનભાઈ બરોટને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારમાં સવાર એક વ્યકિતને ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ એક રિક્ષા સાથે અથડાતા રિક્ષા પણ પલટી ગઈ હતી. જેમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને અમદાવાદ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે. જોકે આ ઇજાગ્રસ્તની ઓળખ હજુ પોલીસ દ્વારા જાહેર કરાઈ નથી.

  મૃતક નવીન ગોરધનભાઇ બારોટ નડિયાદના "નોવેલ્ટી મેન"તરીકે જાણીતા હતા. તેઓ રિમાન્ડ હોમ ના સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ મુક્ત થઈ રિટાયર્ડ જીવન જીવી રહ્યા હતા.72 વર્ષીય રિટાયર્ડ નવીનભાઈ બારોટ પોતાની કલરફુલ પહેરવેશ અને આકર્ષક અંદાજથી શહેરીજનો અને અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. જેવો કલરફુલ શર્ટ તેવાજ બુટ, તેઓને રંગોથી એટલો લગાવ હતો કે તેમના ઘરના તમામ રૂમ તેમજ બાથરૂમ સુધ્ધાં કલરફુલ રંગોથી આકર્ષક રંગાયેલ કરાયેલ હતા. જીવનને રંગોથી ભરી જીવનને રોજ ઉત્સવરૂપ જીવન જીવતા આ કલરફુલ મિજાજના મહાનુભાવના આકસ્મિક મોતથી નડિયાદ શહેર સહિત તેમના પરિચિતો અને પરિવારજનોમાં શોકમય વાતાવરણ પ્રસર્યું છે.

(12:01 pm IST)