Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સરખેજમાં સંજય આલોકના નેમિચાર ફાર્મ હાઉસમાં નોકરી કરતા યુવકની તીક્ષણ હથિયાર ઝીકી ક્રૂર હત્યા

ત્રણ ત્રણ લગ્ન કરનાર મૃતક યુવક પ્રમોદ પટેલની હત્યા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાની પોલીસને શંકા

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં સંજય આલોકના નેમિચાર ફાર્મ હાઉસમાં કામ કરતા યુવકની ક્રૂર હત્યા  કરાયેલી લાશ ફાર્મ હાઉસ નજીકથી મળી હતી. ત્રણ ત્રણ લગ્ન કરનાર મૃતક યુવક પ્રમોદ પટેલની હત્યા પાછળ પોલીસને અંગત અદાવત કારણભૂત હોવાની શંકા છે. પ્રમોદને જે રીતે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા છે તે જોતા આરોપીને મૃતક પ્રત્યે વધુ ખુનન્સ હોય તેમ પોલીસને લાગી રહ્યું છે.

મૂળ અરવલ્લી જિલ્લાના મોહનપુર ગામના પ્રમોદ દેવજી પટેલ માણેકબાગ વિસ્તારમાં શ્રેયસ ફાઉન્ડેશન પાસે આવેલા પ્રણવ એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય પત્ની કિંજલ અને 4 વર્ષના પુત્ર સાથે રહેતાં હતા. 22 વર્ષથી પ્રમોદભાઈ મહંમદપુરા ખાતે આવેલા નેમિચાર ફાર્મ હાઉસમાં કામ કરતા અને સંજયભાઇના ડ્રાઈવર તરીકે હતા.પ્રમોદભાઈના શેઠ સંજય બદ્રીપ્રસાદ આલોક સેટેલાઈટના શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે.

પોલીસને મહંમદપુરામાં આવેલ નેમિચાર ફાર્મ હાઉસ નજીકથી તીક્ષ્ણ હથિયારથી ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી પ્રમોદભાઈની લાશ મળી હતી.ગળાના ભાગે આરોપીએ ઊંડો ઘા માર્યો તેમજ બીજા ઘા શરીર પર માર્યા હતા.ગુરુવારે રાત્રે ઘરે નહીં પહોંચેલા પ્રમોદના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા.દરમિયાનમાં પ્રમોદની લાશ ફાર્મ હાઉસ નજીકથી મળી આવી હતી.

પોલીસ તપાસમાં પ્રમોદભાઈના શેઠ સંજય આલોકે જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યે કામ પતાવી પ્રમોદ ફાર્મ હાઉસથી નીકળી ગયો હોવાનું પરિવારને જણાવ્યુ હતું.સરખેજ પોલીસે પ્રમોદના મોબાઈલ ફોન નંબર, તેમજ ટાવર લોકેશન અને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.મૃતક પ્રમોદ પટેલના નાના ભાઈ જયેશ દેવજી પટેલની ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સરખેજ પીઆઈ બી.બી.ગોયલે જણાવ્યું હતું કે,મૃતક પ્રમોદભાઈએ કિંજલબહેન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. અગાઉ બે પત્નીથી તેઓ છુટા પડ્યા હતા. પ્રમોદભાઈની ક્રૂરતા પૂર્વક હત્યા થયાનું સ્પષ્ટ દેખાય છે. હાલમાં અમારી તપાસ તમામ એંગલ પર ચાલી રહી છે. પણ હત્યારાને મૃતક પર ખુનન્સ હોય તેવું દેખાઈ રહ્યું છે.”

પતિ પ્રમોદભાઈ ગુરુવારે ઘરે ના આવતાં પત્ની કિંજલએ તેના માસા અને પિતરાઈ દિયરને જાણ કરી હતી.બન્ને મોડી રાત્રે પ્રમોદભાઈને શોધવા ફાર્મ પર ગયા પણ દરવાજા બંધ હોવાથી ઘરે ગયા હતા.બાદમાં બીજા દિવસે આજે શુક્રવારે સવારે પ્રમોદભાઈના શેઠ સંજય આલોકના બંગલે બન્ને ગયા હતા.ત્યાંથી જવાબ મળ્યો કે ગુરુવારે સાંજે 6 વાગ્યે પ્રમોદ નીકળી ગયો હતો.આથી બન્ને ફાર્મ હાઉસ પર જતાં હતાં.ત્યાં રસ્તામાં ફાર્મ હાઉસ નજીક પ્રમોદભાઈની લાશ મળી હોવાથી સરખેજ પોલીસ તપાસ કરતી હતી.

(10:14 pm IST)