Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ગાંધીનગર: ચિલોડા પોલીસે ધણપ ગામમાંથી યુવાનના ઘરેથી 14 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગુનો દાખલ કર્યો

ગાંધીનગર: શહેરમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ધણપ ગામમાંથી જાલુભાના વાસમાં રહેતા યુવાનના ઘરેથી વિદેશી દારૂની ૧૪ બોટલ પકડી પાડી હતી તો ડભોડા પોલીસે રણાસણ સર્કલ પાસેથી જઈ રહેલા યુવાનના થેલામાંથી નવ બોટલ વિદેશી દારૂની પકડી લીધી હતી. પોલીસે બન્ને યુવાનો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.     

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે બોર્ડરો પાર કરીને દારૂ છેક પાટનગર સુધી પહોંચી રહયો છે. ચિલોડા-હિંમતનગર હાઈવે બુટલેગરો અને ખેપિયાઓ માટે હોટ ફેવરિટ બની ચુકયો છે ત્યારે ખેપિયાઓ હવે સરકારી એસટી બસો અને લકઝરીઓનો પણ દારૂની ખેપ માટે ઉપયોગ કરી રહયા છે તો અંતરિયાળ માર્ગોનો પણ ઉપયોગ કરી દારૂની હેરાફેરી સતત વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આવા દારૂને પકડવામાં પણ આવી રહયો છે.

(6:20 pm IST)