Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ચીની કંપનીઓને કેવડિયામાં લાવવા સરકારનું કાવતરૃં છે

વસાવાના આક્રોશ બાદ વધુ બે સભ્યો સામે આવ્યાઃ ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓના સમર્થનમાં ઝુકાવતાં મામલો ગરમાયો

અમદાવાદ,તા.૪: ભરૂચના ભાજપના સાંસદ મસનુખ વસાવા બાદ હવે ઝઘડિયાના બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડિયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચીનની કંપનીઓને કેવડિયામાં લાવવા માટે સરકારનું આ બહુ ગંભીર કાવતરૂ છે. કેવડિયા અને આસપાસના જંગલમાંથી આદિવાસીઓને ખદેડી મૂકવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે. સરકારે જ લારી ગલ્લા આપ્યા બાદ હવે તેમને ત્યાંથી હટાવવા એ સરકાર માટે શરમજનક છે. વિદેશીઓને આકર્ષવા માટે આદિવાસીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે. દરમ્યાન ધારાસભ્ય મહેશ વાસાવાએ કેવડિયાના સરકારી અધિકારીઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ સરકારથી દબાયેલા છે અને તેમની સૂચનાથી કામ કરે છે. સરકાર આદિવાસીઓને રોજગારી માટે લારી ગલ્લા આપે છે. અને સરકાર જ તેમની રોજગારી છીનવવાની સૂચના અધિકારીઓને આપે છે. અમે યોગ્ય સમયે યોગ્ય લડત આપીશું. ઉલ્લેખનીય છે કે, કેવડિયામાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોની લારીઓ હટાવી દેતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. અને રાજ્યના એડિશનલ એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા અને પોતાનો જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે આદિવાસી નેતા અને ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા આદિવાસીઓના સમર્થનમાં આવતાં આદિવાસીઓના રક્ષણ અને અસ્તિત્વને લઇ સમગ્ર મામલો ગરમાયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો સામે આવે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

 

(10:07 pm IST)