Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

નવા ટ્રાફિક નિયમોનો અમલ થાય અને દંડની રકમ ઓછી થાય તેવો વ્યવહારૂ માર્ગ કઢાશે

રાજયની ૧૬ ચેક પોસ્ટ નાબૂદ કરીને ઓનલાઇન પરમીટ શરૂ કરાશેઃ વાહન વ્યવહાર મંત્રી ફળદુ

ગાંધીનગર તા. ૪ :.. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના ટ્રાફિક નિયમોના ભંગ બદલ ધરખમ દંડ અને સજા કરવાનું જાહેરનામું બહાર પડાયું છે. જેને લઇને નાગરિકોનો સોશિયલ મીડિયામાં વિરોધ પણ શરૂ થઇ ગયો છે ત્યારે ગુજરાત સરકારે તેના રાજયમાં અમલ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવાનું નકકી કર્યુ છે. વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ આ મુદ્ે જણાવ્યું હતું કે, નવા નિયમોમાં દંડની રકમ વધુ હોવાની બાબત અમારા ધ્યાન ઉપર આવી છે ત્યારે વાહન ચાલકો ઉપર ભારે બોજ ન આવે અને નિયમોનું પણ પાલન થાય તે રીતે વ્યવહારૂ રસ્તો કાઢવામાં આવશે. રાજયમાં ૧૬ જેટલી ચેકપોસ્ટ છે તેની કામગીરી ઓનલાઇન કરીને ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આગામી ૬ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની બેઠકમાં આ અંગે મહત્વના નિર્ણયો લેવાશે.

ટ્રાફીકના જંગી દંડ અંગે રાજયમાં હજુ અમલ શરૂ કરાયો નથી. વાહન વ્યવહાર મંત્રી ફળદુએ નવા નિયમોનો અમલ કરવો કે નહીં તે બાબત હજુ રાજય સરકારની વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું. ઉચ્ચ કક્ષાની બેઠકમાં અમલ કરવા અંગે અને તે કેવી રીતે કરવો તેનો નિર્ણય લેવામાં આવશે.

રાજયની સરહદ વિસ્તારમાં આવેલી ૧૬ જેટલી ચેકપોસ્ટ પણ નાબુદ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારને હલ ૩પ૦ કરોડ રૂપિયાની આવક ચેક પોસ્ટ મારફતે થઇ રહી છે. જેમાં સરકારની પધ્ધતિ કરવા જઇ રહી છે. જેમાં વાહન ચાલક તેના ટ્રકમાં જેટલો માલ ભર્યો હોય તેનું ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. જો તે પછી ઓવરલોડ વાહન હશે તો દસ ગણો દંડ વસુલ કરવાની બાબત અંગે બેઠકમાં નકકી કરવામાં આવશે.

ચેકપોસ્ટ પર કાર્યરત સ્ટાફમાંથી પ્રમાણીક લોકોની એક એન્ફોર્સમેન્ટ ટીમ બનાવાશે જેઓ ઓવરલોડ વાહનોનો દંડ વસુલ કરશે એચએસઆરપી નંબર પ્લેટ અંગે તેમ તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સહિત ૭ રાજયોમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાની વિગતો રજૂ થઇ હતી. હવે જેમ પ્લેટ લગાવવાની કામગીરી આગળ થશે રાજય સરકાર સુપ્રીમ કોર્ટને રિપોર્ટ કરતી રહેશે. (પ-૯)

(11:38 am IST)