Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

બિન્ની શર્મા-અર્નવનું પ્યાર કી એબીસી સોંગ હવે લોન્ચ થશે

ફ્રન્ટ કેમેરા અને ફુલ સેલ્ફી શોટ સોન્ગની સિધ્ધિઃ ગીત-સંગીત રજૂ કરવા બહુ ઝાકઝમાળવાળા પ્લેટફોર્મની નહી પરંતુ માત્ર ઇચ્છાશકિતની જરૂર હોવાનો અભિપ્રાય

અમદાવાદ, તા.૪: જાણીતા ગાયક બિન્ની શર્મા અને મ્યુઝિક કમ્પોઝર અર્નવ કુમાર આજે તેમના પ્યાર કા એબીસી સોન્ગના લોન્ચીંગ અને પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આવતીકાલે તા.૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિને લોન્ચ થઇ રહેલું પ્યાર કા એબીસી સોન્ગ ફ્રન્ટ કેમેરા અને ફુલ સેલ્ફી શોટમાં કંડારાયેલું દેશનું સૌપ્રથમ સોન્ગ છે, જે સિધ્ધિ આ બંને યુવા કલાકારોએ હાંસલ કરી છે. અમદાવાદની મુલાકાત દરમ્યાન બિન્ની શર્મા અને અર્નવ કુમારે આજના યુવાઓને સંદેશો આપતાં અને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, તમારા પોતાના ગીત-સંગીત કે આંતરિક કલા-કૌશલ્યને રજૂ કરવા માટે બહુ ઝાકઝમાળવાળા પ્લેટફોર્મની કે લાખો રૂપિયા ખર્ચ કરવાની કોઇ જરૂર હોતી નથી પરંતુ જરૂર હોય છે માત્ર ઇચ્છાશકિતની. તમે સંપૂર્ણ ઇચ્છાશકિત અને તમારા કમીટીમેન્ટ દ્વારા યુ ટયુબ અને સોશ્યલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી પણ તમારી પ્રતિભાને લોકો સુધી પહોંચાડી શકો છો. પ્યાર કી એબીસી પણ ઘેરબેઠા જ તૈયાર કરાયેલું અને મોજ-મસ્તી રેલાવતું સોન્ગ છે, જેનો માત્ર થોડો હિસ્સો સ્ટુડિયોમાં એડિટ થયો છે. પ્યાર કી એબીસીના અનોખા સોન્ગ વિશે વાત કરતાં ગાયક બિન્ની શર્મા અને મ્યુઝિક કમ્પોઝર અર્નવ કુમારે જણાવ્યું કે, કંઇક અલગ અને લોકોને મજા આવે તેવું ગીત કરવાની ઇચ્છા હતી કે જે લોકોને સાંભળવાનું ખૂબ ગમે અને યાદ રાખવામાં પણ સરળતા રહે, તેથી તેવા ઉમદા આશયથી ફન થીમ આધારિત આ પ્યાર કા એબીસી સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એબીસીડીના આલ્ફા બેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં જેઝ મ્યુઝિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોન્ગ અનોખુ અને રેકોર્ડ સમું એટલા માટે છે કે, ફ્રન્ટ કેમેરા અને ફુલ સેલ્ફી શોટમાં સમગ્ર સોન્ગ કંડારવામાં આવ્યું છે, જે દેશભરમાં સૌપ્રથમ છે. અમને આશા છે કે, લોકોને આ અનોખુ અને કર્ણપ્રિય સોન્ગ ખૂબ ગમશે. આગામી મહિનાઓમાં પણ અમે વિવિધતાસભર વિષયોને લઇ વધુ ગીતો લોન્ચ કરવાનું વિચારી રહ્યા છીએ. દર બે મહિને આવું એકાદ સોન્ગ રજૂ કરવાનો અમારો પ્રયાસ રહેશે. જેમાં લોકોના ગમા-અણગમાનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. લોકોને મનોરંજન અને મજા પૂરી પાડવાનો જ અમારો ઉદ્દેશ હોય છે કે જેથી લોકો ગીત-સંગીત થકી આજની તણાવભરી જીંદગીમાં ખુશ અને આનંદિત થઇ શકે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે લોન્ચ ટીચર્સ ડે પર લોન્ચ થઇ રહેલા યાર કી એબીસી સોન્ગને અર્નવ કુમાર દ્વારા કમ્પોઝ અને એડિટીંગ કરવામાં આવ્યું છે, જયારે ગીતના શબ્દો બિન્ની શર્મા દ્વારા રચવામાં આવ્યાં છે અને આ સોન્ગના સિંગર પણ બિન્ની શર્મા છે. આ પ્રસંગે બિન્ની શર્માએ જણાવ્યું હતું કે, આ સોન્ગ સિવાય પણ હું ઘણી બધી ગુજરાતી મૂવીઝના ગીતો પર કામ કરી રહ્યો છે. આ ઉપરાંત નવરાત્રી પર એક ગુજરાતી સોન્ગ રજૂ કરવાનો વિચાર છે. અમારું આ સોન્ગ બધી સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યું છે. પ્યાર કી એબીસી સોન્ગ એ સ્કુલ લાઇફ અને કોલેજ લાઇફ પર છે. જે લોકોને સાંભળવાની મજા પડશે.

(10:05 pm IST)