Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં એક લાખથી વધારે શ્રદ્ધાળુ ઉમટયા

શિક્ષણમંત્રી ચુડાસમા દર્શન માટે પહોંચ્યાઃ કૃષ્ણને ૧૦૮ વાનગીનો મહાભોગ ધરાવાયો : શ્રીરાધા-માધવની ૧૦૮ કળશથી મહાઅભિષેક સ્નાનવિધિ કરાઇ

 અમદાવાદ,તા.૪: ગઇકાલે જન્માષ્ટમી મહોત્સવને લઇ શહેરના ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જયાં એકલાખથી પણ વધુ શ્રધ્ધાળુ ભકતોએ શ્રીરાધા-માધવના દર્શન માટે રીતસરની પડાપડી કરી હતી. જય રણછોડ, માખણચોર, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથીઘોડા પાલખી, જય કનૈયાલાલ કી ના ભકિતનારા મંદિર પરિસરમાં ગુંજી ઉઠયા હતા. આ પ્રસંગે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લઇ ભગવાનના દર્શન કર્યા હતા અને લાલાને પારણે ઝુલાવ્યો હતો. જન્માષ્ટમી મહોત્સવને લઇ ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણને ૧૦૮ વાનગીઓનો મહાભોગ ધરાવાયો હતો તો, શ્રીરાધા-માધવનો ૧૦૮ કળશથી મહાઅભિષેક સ્નાનવિધિ કરાઇ હતી. બરોબર રાત્રીના ૧૨-૦૦વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરી મહામંગળા આરતી કરવામાં આવી હતી. જન્માષ્ટમી મહોત્વસને લઇ સ્વર્ણ રથની યાત્રા પણ કાઢવામાં આવી હતી. તો, મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત લીલીઓને ઉજાગર કરતી સુંદર અને રસપ્રદ નૃત્યનાટિકા અને અન્ય ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મહિલાઓ, બાળકો સહિત સૌકોઇ શ્રીકૃષ્ણ ભકિતમાં ઝુમી ઉઠયા હતા. રાતભર મંદિર પરિસરમાં ભકિત-સંકિર્તન ચાલ્યા હતા અને સૌકોઇ ભકિતરસમાં તરબોળ બન્યા હતા.

(10:03 pm IST)