Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

લો ગાર્ડન ફુડ સ્ટ્રીટ ફરીવાર ધમધમતી થાય તેવી શકયતા

કોર્પોરેશન દ્વારા ટૂંકમાં નિર્ણય લેવાઇ જશેઃ લો ગાર્ડન ફુડ સ્ટ્રીટ માટે એનઆઇડી પાસે અલગ અલગ ડિઝાઇન અને ફોર્મેટ તૈયાર, જેની પર ચર્ચાઓ હાથ ધરાઈ

અમદાવાદ, તા.૪: શહેરની ઓળખ ગણાતી ૪પ વર્ષ જૂની લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ પર ગત તા.૧ ઓગસ્ટની સવારે અમ્યુકો સત્તાવાળાઓએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવાઇ હતી. જો કે, હવે એનઆઇડી તરફથી રજૂ કરાયેલી ટ્રાફિક, પાર્કિંગ સહિતના પાસાઓને ધ્યાનમાં લઇ ડિઝાઇન અને ફોર્મેટને ધ્યાનમાં લઇ એકાદ મહિના બાદ અમ્યુકો સત્તાવાળાઓ લો ગાર્ડનની શહેરજનોની આ ફેવરીટ ફુડ સ્ટ્રીટને ફરી ધમધમતી કરાય તેની વિચારણા કરી રહ્યું છે. આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે, જેમાં અગાઉના હતા, તે ૩૯ દુકાનદારોને જ પ્રથમ તક અપાય તેવી શકયતા છે. હાઇકોર્ટનાં આદેશનાં પગલે તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ફૂડ સ્ટ્રીટમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાતાં આ બાબત 'ટોક ઓફ ધ ટાઉન' બની હતી. જોકે અમદાવાદીઓની માનીતી આ ફૂડ સ્ટ્રીટ એકાદ મહિનામાં ફરી ધમધમતી થશે.   મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતા ૪પ વર્ષ જૂની ફૂડ સ્ટ્રીટ પર પ્રથમવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ગત તા.૧ ઓગસ્ટની સવારે ૧૦ વાગ્યાથી તંત્રે મોટી સંખ્યામાં એસ્ટેટ વિભાગના કર્મચારી અને બુલડોઝર, દબાણની ગાડી સાથે ફૂડ સ્ટ્રીટમાં તોડફોડની કામગીરી હાથ ધરી હતી. તંત્રની આ કામગીરીને પગલે પ્રારંભમાં ભારે વિવાદ સર્જાયો હતો. ફૂડ સ્ટ્રીટમાં યુનિટ ધરાવતા કેટલાક વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અમ્યુકો સત્તાધીશોએ ૧૪ કલાકની સળંગ કામગીરી બાદ ૩૯ યુનિટને જમીનદોસ્ત કરી સમગ્ર ફૂડ સ્ટ્રીટને દબાણ મુક્ત કરાઇ હતી. અલબત્ત શહેરભરમાં ડિમોલિશનની કામગીરી વિવાદાસ્પદ બનતાં ફૂડ સ્ટ્રીટને નવી ડિઝાઇન હેઠળનો આકાર આપીને ફરી ધમધમતી કરવાના તંત્રે ચક્રો ગતિમાન કર્યાં હતાં અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ને ફૂડ સ્ટ્રીટને નવી ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી. એનઆઇડી દ્વારા ફૂડ સ્ટ્રીટની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું હોઇ મ્યુનિ. સત્તાધીશોને બેથી ત્રણ ડિઝાઇન સોંપી છે. જેમાં ફૂડ સ્ટ્રીટ ખાતે સાંજના નિશ્ચિત સમયે ફૂડ વાન ઊભી રહે અને નાગરિકોને પિત્ઝા, ભાજીપાંઉ અને વિવિધ ફલેવરનાં આઇસ્ક્રીમ વગેરેનો આસ્વાદ મણાવી રાતના નિશ્ચિત સમયે મૂળ જગ્યાએ જવા માટે પરત રવાના થાય તે વિકલ્પને સત્તાવાળાઓ વધુ પસંદ કરે તેવી શક્યતા છે. આમ તો એનઆઇડી દ્વારા પાર્કિંગ તેમજ લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઇન તૈયાર કરાઇ છે. અન્ય એજન્સીને પણ નવી ડિઝાઇનની કામગીરી સોંપાઇ છે. પરંતુ એકાદ મહિનામાં શહેરની ઓળખ સમાન બનેલી લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ ફરી ધમધમતી થઇ જશે તે બાબત નિશ્ચિત મનાઇ રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને પૂછતાં તેમણે જણાવ્યું કે, તંત્ર દ્વારા લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ માટેની બે ત્રણ ડિઝાઇન પર વિચારણા ચાલી રહી છે. હાલમાં તમામ ડિઝાઇન ચર્ચાના સ્તરેહોઇ કોઇ એક ડિઝાઇનને મંજૂરી અપાઇ નથી. પરંતુ ટૂંક સમયમાં ફૂડ સ્ટ્રીટ માટેની નવી ડિઝાઇનને લીલીઝંડી અપાશે. પશ્ચિમ ઝોનનાં અધારભૂત સૂત્રોના મતે, લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ વધુમાં વધુ એક મહિનામાં ફરીથી ધમધમતી થશે અને અગાઉના ૩૯ યુનિટના વેપારીઓને જ તક અપાવાની પૂરી શકયતા છે.

(10:03 pm IST)