Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મોદી-અંબાણી વચ્ચે રાફેલ ડિલ મુદ્દે સોદાબાજી થઇ છે

રાફેલમાં જેપીસી તપાસની રેડ્ડીની માંગણીઃ રાફેલ સોદાબાજી તિજોરીને નુકસાન પહોંચાડવાની અને રાષ્ટ્રીય હિતોની સાથે ચેડા કરવાની એક મલિન ગાથા છે

અમદાવાદ,તા.૪: રાફેલ ડિલના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીએ આજે ભાજપ સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જયપાલ રેડ્ડી અને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા પરેશ ધાનાણીએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. જયપાલ રેડ્ડીએ કહ્યું હતું કે, રાફેલ ડિલના સંદર્ભમાં તેઓ સ્પષ્ટપણે માને છે કે, આમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી વચ્ચે સીધીરીતે કોઇ સમજૂતિ થયેલી છે પરંતુ આ આધાર માટે પણ કેટલાક દાવા રહેલા છે. બીજી બાજુ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાફેલ ડીલના મામલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ફ્રાંસની ડસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રાફેલ લડાકું વિમાનોની ખરીદીનો ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો એ સરકારી તિજોરીને નુક્શાન પહોંચાડવાની, રાષ્ટ્રીય હિતો સાથે ચેડા કરવાની, રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરવાની, જાહેરક્ષેત્રના સાહસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (એચએએલ) હિતોની ઉપેક્ષા કરવાની અને છદ્મ મૂડીવાદની (ક્રોનિ કેપિટાલિઝમ) સંસ્કૃતિને પોષવાની એક અધમ, મલિન અને સ્વાર્થી ગાથા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૬ રાફેલ લડાકું વિમાનની એકપક્ષીય ખરીદીમાં કાયદા-નિયમો અને ધારા-ધોરણોને નેવે મૂકીને કરવામાં આવેલા મોટામસ ગોટાળામાં ૩૬ લડાકું વિમાનોની ખરીદ કિંમત ઈરાદાપૂર્વક છૂપાવવામાં આવી, 'સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા' ની ફરજિયાત જોગવાઈઓનું છડેચોક ઉલ્લંઘન કરાયું, સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિને પૂર્વ મંજૂરી લેવામાં આવી નહીં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી પર રાષ્ટ્રીય હિતોને તિલાંજલી આપવામાં આવી, ૩૬,૦૦૦ કરોડનો ઓફસેટ અનુભવી ભારત સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી છિનવી લઈને લડાકું વિમાનોના ઉત્પાદનમાં તદ્દન બિન અનુભવી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સની તરફેણમાં આપવામાં આવ્યો, માત્ર ૧૨ દિવસ જુની કંપની રિલાયન્સ ડીફેન્સને ૩૦,૦૦૦ કરોડનો ઓફસેટ કોન્ટ્રેક્ટ આપીને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવી અનુભવી કંપનીની ઘોર ઉપેક્ષાનો આ મામલો મૂડીવાદીઓને ફાયદો પહોંચાડવાના છદ્મ મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ) નો ઉડીને આંખે વળગે એવો આધારભૂત કિસ્સો છે, રાફેલ કિંમત રૂા. ૪૧,૨૦૫ કરોડના જાહેર નાણાંનો ચૂનો લગાડવામાં આવ્યો છે. જયપાલ રેડ્ડીએ રાફેલ ડિલ મામલામાં જેપીસી તપાસની માંગ કરી હતી.

(10:39 pm IST)