Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પાર્ટી પ્રેરિત હોવાનો ઇન્કાર

સૌરભ પટેલના આક્ષેપને કોંગ્રેસે રદિયો આપ્યોઃ હાર્દિકના આરોગ્યને લઇને સરકારને ચિંતા નથી : કોંગ્રેસ

અમદાવાદ, તા.૪: કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલનું આંદોલન તેના દ્વારા પ્રાયોજિત હોવાનો આજે ઇન્કાર કર્યો હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કોંગ્રેસના ધારાસભ્યોએ રદિયો આપ્યો હતો.  કોંગ્રેસના ધારાસભ્યો વિક્રમ માડમ અને કિરીટ પટેલે મંત્રી સૌરભ પટેલના નિવેદનને વખોડતાં જણાવ્યું હતું કે, સરકારને ૧૧ દિવસ સુધી હાર્દિકના સ્વાસ્થ્યની ચિંતા ના થઇ અને હવે શા માટે અચાનક સફાળી જાગી? હાર્દિકની તબિયત કે સ્વાસ્થ્ય અંગે સરકારે કોઇ સલાહ આપવાની જરૃર નથી. આમ આજે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હાર્દિકના ઉપવાસ આઁદોલનને લઇ રાજકારણ ગરમાયું હતું. હાર્દિકના ઉપવાસ આંદોલનના ૧૧ દિવસે તેની તબિયત વધુ લથઢે અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં સરકારે પાણી પહેલા પાળ બાંધવાનો આજે પ્રયાસ કર્યો હતો. હાર્દિકની તબિયત અંગે સૌરભ પટેલે આપેલા નિવેદનને વખોડતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકના પટેલના આંદોલન અંગે સરકારને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમછતાં સરકારે તેને ગંભીરતાથી લીધી નથી. હાર્દિકની તબિયત અંગે સરકારે સલાહ આપવાની જરૃર નથી. હાર્દિક ડોક્ટરની સલાહ માની રહ્યો છે. પરંતુ સરકારે તેની સલાહ માનવી જોઈએ.

અત્યારસુધી સરકારને હાર્દિકની તબિયતની ચિંતા ન હતી અને એકાએક કેમ ચિંતા થવા લાગી? હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના મંત્રીના આક્ષેપને પણ કોંગ્રેસના ધારાસભ્યોએ ફગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, હાર્દિકનું આંદોલન એ જનઆંદોલન અને ખેડૂતોનું આંદોલન છે.

(8:45 pm IST)