Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

અમદાવાદમાં વિદ્યાર્થીએ ટીચરનું નકલી એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા મુકતા અરેરાટી

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુરુશિષ્યના સંબંધને લજ્જિત કરે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે ટેક્નોલોજીના ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે અને આ જ વાત આજે સાચી સાબિત થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં શાળાના એક વિદ્યાર્થીએ પોતાની શિક્ષિકાને હેરાન કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં એક નકલી અકાઉન્ટ બનાવ્યું અને બાદમાં આ અકાઉન્ટ પર ટીચરનો ફોટો મુકીને બિભત્સ પોસ્ટ પણ કરી હતી. જોકે શાળાના પોતાના મિત્રો સાથે મળી આ વિદ્યાર્થીએ મજાક મજાકમાં જ આ કારસ્તાન કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ સમગ્ર મામલે શિક્ષિકાને જાણ થતા શિક્ષિકાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં સાઈબર ક્રાઈમે વિદ્યાર્થીની અટકાયત કરી તેનું કાઉન્સિલિંગ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે વર્તમાન સમયમાં બાળકોના માનસ કઈ હદે પરિવર્તિત થતાં જઈ રહ્યા છે તેનું આ એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. પોતાના બાળકોને નાની ઉંમરમાં સ્માર્ટફોન આપનારા દરેક માતાપિતા માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. વિદ્યાર્થીએ ભલે મજાક કરી હોય પરંતુ આ મજાકે તેને ગુનેગાર બનાવી દીધો છે અને સાઈબર ક્રાઈમ મુજબ તો આ ગંભીર ગુનો છે.

(3:34 pm IST)