Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મહેસાણાના કેન્સરગ્રસ્ત ભીખારીએ કેરળ રાહત ફંડમાં દાન કર્યા 5,000 રૂપિયા

પાલનપુર: મહેસાણાના ભીખારી ખીમજી પ્રજાપતિના જીવવાની આશા ડોક્ટર્સ છોડી ચૂક્યા છે પરંતુ ખીમજીભાઈએ પોતાની તબિયતની ચિંતા કર્યા વિના જે કર્યું છે તેનાથી તેમણે લાખો લોકોનું દિલ જીતી લીધું છે. ખીમજી પ્રજાપતિને 3 મહિના પહેલા પેટનું કેન્સર હોવાની જાણ થઈ. પોતાની પાસે રહેલા 5,000 રૂપિયામાંથી તેઓ સારવાર કરાવી શક્યા હોત પરંતુ તેમણે પોતાની પરવા કર્યા વિના 5,000 રૂપિયા કેરળ રાહત ફંડમાં દાન કરી દીધા છે. પહેલા કરતાં વધુ નબળાં પડી ગયેલા 71 વર્ષીય ખીમજીભાઈ કાખઘોડીની મદદથી ચાલીને શનિવારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને 5,000 રૂપિયા કેરળના પૂર પીડિતોની મદદ માટે આપ્યા.

ખીમજીભાઈએ કહ્યું કે, “પૂરગ્રસ્ત કેરળાના લોકોની દયનીય સ્થિતિ વિશે સાંભળીને હું ભાંગી પડ્યો. હું માનું છું કે કોઈ જરૂરિયાત મંદને મદદ કરવાથી જે ખુશી મળે છે તે બીજી કોઈપણ વસ્તુમાંથી નથી મળતી. કેરળ સરકારને ફંડની જરા પણ કમી ના આવે માટે લોકોએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ. મને ખુશી છે ગુજરાત સરકારે પણ કેરળને મદદ કરવામાં પાછી પાની નથી કરી. ગુજરાત સરકારે 10 કરોડ રૂપિયાની મદદ કેરળને કરી છે.”

મહેસાણાના એડિશનલ રેસિડેન્ટ કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું કે, “કેંસરગ્રસ્ત ભીખારીએ કરેલું દાન સમાજ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનનું ઉત્તમ ઉદાહરણ છે. કેશમાં દાન ન સ્વીકારી શકવાના કારણે અમે ખીમજીના રૂપિયા બેંકમાં જમા કરાવીને તેમને રસીદ આપી છે.” ખીમજીને 3 મહિના પહેલા કેન્સર હોવાની જાણ થઈ, તેઓ રાજકોટમાં એક પ્રાઈવેટ ડોક્ટર પાસે સારવાર લઈ રહ્યા છે. કેટલાક કોર્પોરેટ્સ દ્વારા ખીમજીભાઈને સારવાર માટે 70,000 રૂપિયા દાનમાં મળ્યા, જ્યારે 30,000 રૂપિયાની મદદ સુરતના એક પરિવારે કરી.

ખીમજીભાઈએ અત્યાર સુધીમાં કીમોથેરપીના 3 સેશન્સ પૂરા કર્યા છે. મહેસાણાના કલેક્ટરે વીજાપુર પાસે આવેલી એક આયુર્વેદિક હોસ્પિટલમાં ખીમજીની સારવાર માટે વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે. ખીમજીએ કહ્યું કે, “રાજકોટમાં મારા ડોક્ટરની સલાહ બાદ હું આયુર્વેદિક સારવાર લેવા અંગે નિર્ણય કરીશ.”

મહેસાણાના સીમાંધર સ્વામી જૈન મંદિરની બહાર બેસીને ભીખ માગતાં ખીમજીએ 10 છોકરીઓને ભણાવવા માટે પોતાની પાસે રહેલી સોનાની બુટ્ટી દાનમાં આપી હતી, જેનો તેમને સંતોષ છે. બીજાને મદદ કરવાની ખીમજીની ભાવનાને જોતા રોટરી ક્લબ ઓફ ઈંડિયાએ ગયા વર્ષે તેમને લીટરસી હીરો અવોર્ડથી સન્માનિત કર્યા. ખીમજી સમગ્ર વર્ષ દરમિયાન ભીખમાં મળેલી રકમને ભેગી કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને મદદ કરે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખીમજી પુસ્તકો, પેન, યુનિફોર્મ અને અન્ય સ્ટેશનરી લઈ આપે છે. ગરીબ વિદ્યાર્થિનીઓની મદદ કરવા ખીમજી હંમેશા તૈયાર રહે છે બદલામાં મળતા નિસ્વાર્થ પ્રેમથી તે ખુશ છે.

(11:49 am IST)