Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

RTE એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે યાદી જાહેર થયા બાદ 56749 વિદ્યાર્થીના પ્રવેશ કન્ફર્મ

62985 વિદ્યાર્થીઓની પ્રથમ પ્રવેશ યાદીમાંથી 6 હજારથી વધુએ પ્રવેશ ના લીધો : હવે બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અમદાવાદ :  રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે 73287 બેઠકો માટે 62985 વિદ્યાર્થીઓની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી, તેમાંથી 4 ઓગસ્ટના રોજ પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદ્દત પુર્ણ થઈ ત્યાં સુધીંમાં 56749 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા હતા. જ્યારે 5 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ હવે બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTEની 73287 બેઠકો માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પુર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 1, 81, 162 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16,745 જેટલી અરજીઓ અરજદારો દ્વારા જ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી વખતે ડોક્યુમેન્ટ તથા અન્ય મુદ્દાઓને લઈને 25,957 અરજીઓ રદ કરવામાં આવી હતી. આમ, આ કાર્યવાહી બાદ 1,38,460 અરજીઓ મંજુર થઈ હતી.

RTEમાં 25 હજાર કરતા વધુ અરજીઓ રદ થતાં વાલીઓ તરફથી ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે મુદ્દત આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આવી રજૂઆતોના પગલે વિભાગ દ્વારા 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વાલીઓને અરજીમાં સુધારો કરવાની મુદ્દત આપી હતી. જેથી આ ત્રણ દિવસના સમયગાળામાં અનેક વાલીઓએ અરજીમાં સુધારા કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિભાગ દ્વારા સુધારો કરાયેલી અરજીઓની પુનઃ ચકાસણી હાથ ધરી હતી. જેમાં અગાઉ રદ થયેલી 25957 અરજીઓ પૈકી 10640 જેટલી અરજીઓ મંજુર થઈ હતી.

આમ, RTEમાં છેલ્લી સ્થિતી મુજબ 15,317 અરજીઓ રદ થઈ હતી. જ્યારે કુલ મંજુર થયેલી અરજીઓની સંખ્યા 1,49,005 જેટલી છે. ત્યારબાદ RTEની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 62,985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે સ્કૂલમાં જઈને 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો હતો. 4 ઓગસ્ટ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોવાનું જાણવા મળે છે.

 

પ્રથમ યાદીમાં સમવિષ્ટ 62,985 વિદ્યાર્થીઓ પૈકી 56,749 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધા હોવાનું જાણવા મળે છે. જ્યારે 5026 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા નથી. અમદાવાદ શહેરની વાત કરીએ તો કુલ 9973 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે 1097 જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 1163 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે 125 બેઠકો પર પ્રવેશ કન્ફર્મ કરવામાં આવ્યા નથી.

 

(9:43 pm IST)