Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમદાવાદમાં જીટીયુ યુનિવર્સિટીની પરીક્ષા અટકાવવા આઇટી સ્ટુડન્ટે અન્ય વિદ્યાર્થીઓના ડેટા ચોરી કરીને અન્ય વેબસાઇટ ઉપર અપલોઠ કરતા સાયબર સેલ દ્વારા ધરપકડ

અમદાવાદઃ GTU યુનિવર્સિટીની પરીક્ષા અટકાવવા આઈટી સ્ટુડન્ટે અન્ય વિદ્યાર્થીઓનાં ડેટા ચોરી કરી અન્ય વેબસાઈટ પર અપલોડ કરનાર વિદ્યાર્થીની સાયબર સેલએ ધરપકડ કરી છે. ડેટા ચોરી કરનાર યુવક જીટીયુનો આઇટી સ્ટુડન્ટ છે. તે છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. GTU યુનિવર્સિટીનાં રજીસ્ટારે સાયબર સેલમાં ગત શુક્રવારે બપોરે ઓનલાઈન પ્રી ટ્રાયલ એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓનાં ફોટા અને આઈડી પ્રુફની ચોરી અંગે ફરિયાદ કરી હતી. આરોપીએ ડેટા ચોરી કરી www. gtu-exam.github.io/pre-check-trial-students/ વેબસાઈટ પર અપલોડ કર્યા હતાં.

સાયબર સેલએ GTU ડેટા ચોરી કેસમાં મૂળ જૂનાગઢના અને હાલ અમદાવાદ સોલા વિસ્તારમાં રહેતાં 23 વર્ષીય મોહિત ઉર્ફ મોન્ટુ નિલેશભાઈ ચોથાણીની ધરપકડ કરી છે. જીટીયુમાં આઈટીનાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં મોહિતએ પોલીસને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા કોરોના મહામારી અન્વયે ગાઈડલાઈન બહાર પડાઈ હતી. જેનો ચુસ્ત અમલ થાય તે હેતુથી તમામ પ્રકારની પરીક્ષા સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જો કે જીટીયુ તરફથી પરીક્ષા લેવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આ પરીક્ષાઓ મોકૂફ રહે તે હેતુથી પોતે વિદ્યાર્થીઓના ડેટા ચોરી જુદી-જુદી વેબસાઈટ બનાવી તેની પર આ ડેટા અપલોડ કર્યા હતાં. સાયબર સેલએ મોહિતની કબુલાતને પગલે તેની ધરપકડ કરી હતી.

ગત શુક્રવારે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ચાંદખેડા ખાતે જૂન, 2019થી રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ નારણભાઇ ખેર (ઉં,50)એ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, કોવિડ 19 મહામારીમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ડિપોલ્મા, યુ.જી,પી.જીનાં છેલ્લા સેમસ્ટરમાં જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામનું આયોજન કરાયું હતું.

આ એક્ઝામ લેવાની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી હતી. જેમાં 28 જુલાઈનાં રોજ લેવાયેલી એક્ઝામમાં લોગ ઇન ના થવાથી તેમજ અન્ય કારણસર ઘણાં બધા વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હતાં. આવા 1900 જેટલા વિધાર્થીઓને મેસેજ કરી બીજા દિવસે પરીક્ષા લેવાની જાણ કરી હતી. બીજા દિવસે પરીક્ષામાં અંદાજે 1275 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતાં.

એક્ઝામ પત્યાના બીજા દિવસે સંચાલકોને સોશિયલ મીડીયા માધ્યમથી જાણવા મળ્યું કે, “GTU વિદ્યાર્થીઓનાં ફોટા અને આઈડી પ્રુફનાં ડેટા ચોરી કરી અજાણ્યા વ્યક્તિએ www.gtu-exam.github.io/pre-check-trial-students/ વેબસાઈટ પર તેને અપલોડ કર્યા હતાં. આ અંગે ઓનલાઈન પરીક્ષાની જવાબદારી સોંપાઇ હતી. તે ખાનગી એજન્સી પાસે તપાસ કરાવતા તેઓએ રિપોર્ટ આપ્યો કે, 29મી જુલાઈના રોજ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ લેવાઈ તે ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓના ડેટાની ચોરી થઈ છે. સાયબર સેલએ આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:02 pm IST)