Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ગજબ છતા ગુબારો નહિં, નિવૃત ડીજીપી પ્રોટોકોલની પંચાત છોડી કર્ણપ્રિય ગીતની ધુનો પર સીટીઓ વગાડી નાચ્યા

મદારી ફિલ્મનું 'દિલ લંુટને વાલે જાદુગર....' નું મ્યુઝીક શરૂ થતા જ એક સમયના ગુજરાતના મુખ્ય પોલીસ વડા પી.સી.ઠાકુર પોતાની જાતને રોકી ન શકયાઃ તેઓ માને છે કે આપણી અંદરનો બાળક જીવતો રાખી, કોઇ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહીએ તો જીંદગી જીવવાનું અઘરૂ લાગતુ નથી

રાજકોટ, તા, ૪: પી.સી. ઠાકુરનું નામ યાદ છે? જો યાદ ન આવ્યું હોય અને કંઇક સાંભળેલુ નામ લાગતુ હોય તો વધારે તસ્દી આપ્યા વગર જણાવી દઇએ કે પી.સી.ઠાકુર એટલે ગુજરાતના એક સમયના મુખ્ય પોલીસ વડા, દાઉદને વડોદરાના પોતાના કાર્યકાળ દરમિયાન ઝડપી દાઉદને ગુન્હાખોરી છોડાવવા માટે અથાગ જહેમત ઉઠાવનાર આ સિનીયર આઇપીએસને તેમના પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે દિલ્હી બદલી કરી નખાતા તેઓ રજા ઉપર ઉતરી નિવૃતી સમય સુધી રજા પર જ રહયા હતા.

પોલીસ તંત્રના નાનામાં નાના લોકોની મુશ્કેલીઓથી અત્યંત પરીચીત આ અધિકારી પાસે ગમે ત્યારે રજુઆત થઇ શકે તેવા ઉમદા દીલના અને સ્વભાવના ઇન્સાન.

પત્નીના મૃત્યુથી પ્રથમ ભાંગી પડયા બાદ સ્વસ્થ બની દુનિયાદારીની ઝંઝાળ મુકી પોતે અલગ-અલગ સ્થળોએ પ્રકૃતિના ખોળે અંગત મિત્રો સાથે અને ઘણી વખત એકલા ફરવા નિકળી જાય છે.

કવિ હ્ય્દય ધરાવતા અને ચોંટદાર કવિતાઓ લખવા માટે જાણીતા આ નિવૃત આઇપીએસ ફ્રેન્ડશીપના દિવસે પોતાના અંગત મિત્રો સાથે જીન્સ પેન્ટ અને કલરફુલ ટીશર્ટ અને ફેન્સી ટોપી સાથે ફરી રહયા હતા. ત્યારે અચાનક એક મિત્ર દ્વારા ફિલ્મ મદારીનું ગીત 'દિલ લુટને વાલે જાદુગર, અબ મેને તુજે પહેચાના હૈ' આ ગીતની ધુન સાંભળતા જ પી.સી.ઠાકુર પ્રોટોકલની પંચાત છોડી અને સીટીઓ મારવા સાથે ઝુમવા લાગ્યા હતા. લોકોને જયારે જાણ થઇ કે આ કોઇ સામાન્ય વ્યકિત નહિ પણ એક સમયના રાજયના મુખ્ય પોલીસ વડા હતા તે વાત જાણી લોકો તેમની આ નિખાલસતા પર આફરીન પોકારી ગયા. ઉપસ્થિત લોકોએ વિડીયો બનાવ્યો, યોગાનુયોગ આ વિડીયો આખા રાજયમાં વાયરલ થઇ ગયો. પી.સી.ઠાકુરનો મોબાઇલ ફોન હાંફી જાય તેટલા ફોન ને મેસેજ આવી રહયા છે. પી.સી.ઠાકુર એવુ સ્પષ્ટપણે માને છે કે તમારી અંદરનો બાળક હંમેશા જીવતો રહેવો જોઇએ, કોઇ પણ પરિસ્થિતિમાં વિચલીત થયા વગર આનંદમાં રહેશો તો જીંદગી જીવવી અઘરી નહિ લાગે.

(1:07 pm IST)