Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જીવરાજપાર્ક ક્ષેત્રના યુવકના રહસ્યમય મોતને લઇ ચકચાર

હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્યઃ યુવક પાંચ દિવસ પૂર્વે પ્રેમિકાને મળવા ન્યુરાણીપમાં ગયો અને ત્યાં ફલેટથી પડતું મૂકયુ હતુ : પોલીસ તપાસ શરૂ

અમદાવાદ,તા.૪:    શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવકના શંકાસ્પદ મોતનો કિસ્સો પોલીસ માટે ગંભીર તપાસનો વિષય બન્યો છે. યુવકની હત્યા થઇ છે કે તેણે આત્મહત્યા કરી છે તેને લઇને રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પાંચ દિવસ પહેલાં ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક ફલેટ પરથી આ યુવકે પડતું મૂક્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. યુવકની હત્યા કરાઇ હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો છે. સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી છે કે હત્યા કરાઇ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી સંત ઉદ્ગમપાર્ક સોસાયટીમાં નયન જાદવ (ઉ.વ. ર૪) નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. પાંચ દિવસ પહેલાં નયન ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક ફલેટમાં રહેતી તેની પ્રેમિકાને મળવા ગયો હતો અને ત્યાં તેણે રહસ્યમય સંજોગોમાં ફલેટ પરથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં નયનને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં નયનને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં તેની પ્રેમિકાએ જણાવ્યું હતું કે બાઇકનો અકસ્માત થતાં તેને ઇજા થઇ છે. સાબરમતી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં નયને ફલેટ પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. ગઇ કાલે નયનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નયનની હત્યા કરવામાં આવી છે.

એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે, નયને ફલેટ પરથી પડતું મૂકી આપઘાત કર્યો છે. આત્મહત્યાને લઇ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. તપાસમાં જે કંઇ તથ્ય નીકળશે તેની તપાસ કરવામાં આવશે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ નયનની પ્રેમિકા પરિણીત છે. નયને ફલેટ પરથી પડતું મૂક્યા બાદ તેને બંનેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોને પ્રેમિકાએ નયનની ઈજા વિશે અલગ અલગ માહિતી આપી હતી. જો કે, આ ઘટનામાં કેટલાય સવાલો ઉભા થયા છે અને તેને લઇને હવે પોલીસે સમગ્ર પ્રકરણમાં તપાસ તેજ બનાવી છે.

(10:50 pm IST)