Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

માસી પર ભાણિયાએ છરીથી હુમલો કરતાં ભારે સનસનાટી

કયા કારણથી હુમલો કરાયો તેની તપાસ શરૂ કરાઈઃ ઇજાગ્રસ્ત માસીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે આરોપી ભાણિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ, તા.૪: શહેરના નવા નરોડા વિસ્તારમાં ગઇકાલે ર૦ વર્ષીય યુવકે તેનાં માસી પર અચાનક જ છરી વડે હિંસક હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવકના ઘરે કોઇ નહીં હોવાથી તે તેનાં માસીના ઘરે ગયો હતો, જ્યાં તેણે અચાનક રસોડામાં જઇને છરી વડે માસી પર હુમલો કર્યો હતો. યુવકે કયા કારણસર તેનાં માસી પર હિંસક હુમલો કર્યો તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. જેને પગલે પોલીસે આરોપી ભાણિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને તેણે કયા કારણથી માસી પર જીવલેણ હુમલો કર્યો તેને લઇને પોલીસે હવે તપાસ આરંભી છે. બીજીબાજુ, હુમલામાં ગંભીર રીતે ઘાયલ માસીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નવા નરોડા વિસ્તારમાં આવેલ દીપધારા સોસાયટીમાં રહેતાં સજનાબહેન દશરથભાઇ રાઠોડે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ગઇકાલે સજનાબહેન ઘરે એકલાં હતાં ત્યારે તેમનો ભાણિયો હિતેન્દ્રસિંહ (રહે. અરિહંતનગર, નરોડા) તેમના ઘરે આવ્યો હતો. સજનાબહેન હિતેન્દ્રસિંહ માટે ચા બનાવવા માટે રસોડામાં ગયાં હતાં. હિતેન્દ્રસિંહને ચા આપ્યા બાદ સજનાબહેન રસોડામાં રસોઇ બનાવવા માટે ગયાં હતાં. થોડાક સમય બાદ હિતેન્દ્રસિંહ રસોડામાં આવ્યો હતો અને સજનાબહેન કંઇ પણ બોલે તે પહેલાં તેમના પર છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો. હિતેન્દ્રસિંહે તેનાં સગાં માસી સજનાબહેન પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. સંજનાબહેન બૂમો પાડતાં પાડતાં રસોડામાંથી બહાર દોડી ગયાં હતાં અને લોહીથી લથપથ હાલતમાં મેઇન રોડ પર પહોંચી ગયાં હતાં. દરમિયાનમાં હિતેન્દ્રસિંહ ફરાર થઇ ગયો હતો જ્યારે સજનાબહેને તેમના પતિને ફોન કરીને આખી હકીકત કીધી હતી. સ્થાનિકો ઇજાગ્રસ્ત સજનાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. કૃષ્ણનગર પોલીસે આ મામલે હિતેન્દ્રસિંહ પર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હિતેન્દ્રસિંહે કયા કારણસર સજનાબહેન પર હુમલો કર્યો તેનું સાચું કારણ જાણવા માટે પણ પોલીસે તજવીજ શરૂ કરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(10:49 pm IST)