Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આરટીઓ દ્વારા સ્કૂલોમાં ડ્રાઇવ ડિટેઇન-દંડનીય કાર્યવાહી થઇ

અમ્યુકો, ટ્રાફિક બાદ હવે આરટીઓ પણ હરકતમાં: દર સપ્તાહે ડ્રાઇવ ચાલુ રાખવાનું આયોજન : શહેરની શાળાઓના વાહનચાલકોમાં ભારે ફફડાટની લાગણી

અમદાવાદ, તા.૪: ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ બાદ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક નિયમનને લઇ અમ્યુકો અને પોલીસ-ટ્રાફિક તંત્ર બાદ હવે આરટીઓ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે આરટીઓ તંત્રના અધિકારીઓએ વિવિધ સ્કૂલોમાં ત્રાટકી સ્કૂલવાહનો અને કસૂરવાર વાહનચાલકોને મેમો-દંડ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહી, આરટીઓ તંત્ર દ્વારા ગંભીર નિયમ ભંગના કિસ્સામાં સ્કૂલવાન કે વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. આરટીઓ તંત્રની આ તવાઇને પગલે શહેરની વિવિધ સ્કૂલોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા પૈકી પ૦ ટકાથી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલવાન તરીકે રજિસ્ટર થયાં નથી. આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇ પણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓ આજે કડકાઈભર્યું વલણ અપનાવતાં અનેક સ્કૂલરિક્ષા અને વાનને ડિટેઈન કરવામાં આવી હતી. જેમાં શહેરની સીએન વિદ્યાલય સ્કૂલમાં સાત વાન ડિટેઇન કરાઇ હતી, જયારે અન્ય ૧૫ વાહનચાલકોને મેમો ફટકારાયો હતો. તો સત્વવિકાસ અને ડીપીએસ સ્કૂલ, બોપલ શાળાઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન નહી કરવા બદલ તેમના સ્કૂલ વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા.  ડીપીએસ વિદ્યાલયને આરટીઓ દ્વારા પાંચ મેમો અપાયા. સ્કૂલવાન પરમીટના ભંગ બદલ ત્રણ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ બે મેમો જારી કરાયા હતા. આ તમામ વાહનોને દંડ પણ ફટકારવામાં આવશે. સ્કૂલવાન કે રિક્ષા તરીકે જે વાહનો રજિસ્ટર થયાં છે તેઓ કોઇ પણ નિયમોનું પાલન ન કરતાં હોવાનું બહાર આવતાં આરટીઓએ આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા-વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ફફડાટ પેસી ગયો હતો. દરમ્યાન આ અંગે આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું રજિસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમભંગ કરતી સ્કૂલવાન કે રિક્ષાચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આજે અમદાવાદ સહિત વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગરમાં આરટીઓના ૫૬ કર્મચારીઓ દ્વારા સ્કૂલવાન-સ્કૂલ બસ અને સ્કૂલરિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું. મોટા ભાગનાં વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે એટલું જ નહીં, પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. આજે થયેલી ડ્રાઈવમાં કોઈ સ્કૂલબસનો સમાવેશ થયો નથી. અનેક સ્કૂલ વાન એસપીજી ગેસથી ચલાવવામાં આવે છે. વાનચાલકો ગેસના બાટલાની ઉપર જ બેંચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતાં હોય તેવી પણ ઘટનાઓ બને છે જે ખતરારૂપ જ નહીં દુર્ઘટના થવાની શકયતા વધારે છે. જે જીવતા બોમ્બ સમાન મનાય છે. આરટીઓમાં મારુતિ વાનનાં મોડલ માન્ય છે. સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં ૧ર વર્ષથી નીચેનાં બાળકોની સંખ્યા ૧ર અને તેથી વધુ વર્ષનાં હોય તેવા છ બાળકો બેસાડી શકાય, જ્યારે રિક્ષામાં ૧ર વર્ષથી નીચેનાં છ અને તેનાથી વધુ ઉંમરનાં ૩ બાળકો બેસાડી શકાય.

(8:29 pm IST)