Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઘાટલોડિયા, છીપાવાડ સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફેરવાયું

શહેરમાં ડિમોલિશન ડ્રાઇવ વેગવંતી બનાવાઇઃ અમ્યુકો તંત્રએ ત્રાટકી ગેરકાયદે દબાણો તેમજ બાંધકામો દૂર કર્યા : ગોળલીમડા અને જમાલપુરમાં પણ ઓપરેશન

અમદાવાદ, તા.૪: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમ્યુકો અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે ફટકારક લગાવાયા બાદ શહેરભરમાં છેલ્લા ચાર દિવસથી સતત ડિમોલિશન ડ્રાઇવ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહી છે. આજે પણ અમ્યુકો તંત્ર  એસ્ટેટ વિભાગની ટીમો અને અધિકારીઓના કાફલા તેમ જ પોલીસ તંત્રના અધિકારીઓ સાથે શહેરના ઘાટલોડિયા, પ્રભાતચોક, રન્નાપાર્ક, વાસણા, સીટીએમ, રખિયાલ, નારોલ, વાસણા, ગોળલીમડા, જમાલપુર, છીપાવાડ  સહિતના વિસ્તારોમાં ત્રાટકયુ હતું. જમાલપુરમાં તો એક ગેરકાયદે મકાનના બાંધકામ પર તંત્રએ તાત્કાલિક અસરથી હથોડો ચલાવ્યો હતો. અમ્યુકો તંત્ર દ્વારા આ વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે દબાણો અને બાંધકામો પર બુરડોઝર ફેરવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. જેને લઇ સ્થાનિક વિસ્તારોમાં લોકોના ટોળેટોળા અમ્યુકો અને પોલીસની ડ્રાઇવ જોવા ઉમટયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પોલીસ વિભાગના સંકલનમાં આજે વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, કે.કે.નગર સહિતના પટ્ટામાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોટાપાયે તોડફોડ થતાં સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. કેટલાક દુકાનદારો અને વેપારીઓએ તો અમ્યુકોની ટીમ તેમના સુધી આવે તે પહેલાં જ તેમના ગેરકાયેદ દબાણો દૂર કરવા માંડયા હતા. આ જ પ્રકારે શહેરના વાસણા વિસ્તારમાં અંજલિ સિનેમાથી લઇ વાસણા એપીએમસી સુધીના પટ્ટામાં પણ દબાણો વિરૂધ્ધ અને ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરાઇ હતી તો, પૂર્વમાં રખિયાલ, સીટીએમ, નારોલ સહિતના વિસ્તારોમાં મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવ તંત્ર દ્વારા ચલાવવામાં આવી હતી અને બંને બાજુના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક નિયમનના મુદ્દે ૫૦૦થી વધુ વાહનચાલકોને ઘટનાસ્થળે જ  દંડ ફટકારી તેની વસૂલાત કરી ઝુંબેશ વેગવંતી બનાવી હતી.

(8:32 pm IST)