Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વસો પોલીસે ઇન્દિરા નગરીમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 8 શકુનિઓની ધરપકડ કરી

વસો:પોલીસે ઈન્દિરા નગરી વિસ્તારમાં રમાતાં જુગારધામ પર છાપો મારી ૬ જુગારીઓને રૂ.૩૭,૬૭૦ ના મુદ્દામાલ સાથે તેમજ માતર પોલીસે ઉંઢેળા સીમમાં રમાતાં જુગારધામ પર છાપો મારી બેને પકડી પાડ્યાં હતાં. જ્યારે ચાર જુગારીઓ ભાગી છુટ્યાં હતાં. પકડાયેલા જુગારીઓ પાસેથી રૂ.૧,૬૫,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ વસો પોલીસને એવી માહિતી મળી હતી કે વસો ઈન્દિરા નગરી વિસ્તારમાં જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમાય છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામા ૬ જુગારીઓ પકડાઈ ગયાં હતાં. તેમની પાસેથી રૂ.૩,૧૭૦ રોકડા, મોબાઈલ નંગ ૨ રૂપિયા ૪૫૦૦ તથા એક એક્ટિવા નં જીજે ૦૭ સીજી ૦૨૬૧ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ નું મળી કુલ રૂપિયા ૩૭,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં જાફરભાઈ ઉર્ફે બલ્લી સલીમભાઈ વહોરા, સુનિલભાઈ ડાહ્યાભાઈ તળપદા, નિલેશભાઈ કાંતિભાઈ વણકર, મિનહાઝભાઈ યુનુસભાઈ વ્હોરા, ઈરફાન ઈકબાલ વ્હોરા, નૌતમગીરી ઉર્ફે મુન્નો અમૃતગીરી ગોસાઈ (તમામ રહે વસો ઈન્દિરા નગરીનો) સમાવેશ થાય છે. 

બીજા બનાવમાં માતર પોલીસને એવી માહિતી મળી હતી કે ઉંઢેળા સીમમાં કેટલાક લોકો જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમે છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઈકબાલભાઈ ઉર્ફે આશીફ રસુલભાઈ શેખ અને જાવેદખાન મૌસીનખાન પઠાણ પકડાઈ ગયાં હતાં. જ્યારે નૌસાદઅલી મૈયુદ્દીન સૈયદ, અલ્તાફ શૌકતભાઈ મલેક, ફારૂકમીયાં સૈયદ અને અકીલમીયાં ઐયુબમીયાં મલેક ભાગી છુટ્યાં હતાં. પકડાયેલાની અંગજડતીમાંથી રૂપિયા ૬૫૫૦ જ્યારે દાવ પરથી રૂ.૪૧૫૦ તેમજ બે મોટરસાઈકલ, એક્ટિવા વગેરે મળી છ વાહનો પકડાયા હતાં. આમ પોલીસે કુલ ૧,૬૫,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છુટેલાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:22 pm IST)