Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ધોળા દહાડે નડિયાદમાં કારનો કાચ તોડી 2 લાખની ઉઠાંતરી

નડિયાદ: શહેરના મહા ગુજરાત સર્કલ પાસે આવેલ શોરૂમના માલીકની કારમાંથી ગણતરીના સમયમાં બે લાખ રૂપીયા ભરેલી બેગ ચોરી થઇ જવાની ઘટનાએ ચકચાર મચાવી છે. જોકે મહાગુજરાત સર્કલ થી વાણીવડ વચ્ચે અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેની પોલોસ ચોપડે કોઇ નોધ નહી થતી હોવાનું બહાર આવ્યું છે. આજે બનેલી ઘટનામાં પણ મોડી સાંજ સુધી પોલીસ માત્ર તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નડિયાદ શહેરના પારસ સર્કલ પાસે જાણીતી કંપનીનો બાઇક - સ્કુટરનો શોરૂમ આવેલ છે. સોરૂમના માલીક હાર્દીકભાઇ ભાવસાર પોતાના નિત્યક્રમ મુજબ સવારના નવ વાગ્યાની આસપાસ પોતાની કાર નં.જીજે ૬.એલકે.૦૭૦૭ લઇ શોરૂમ પર આવ્યા હતા. જે બાદ તે પોતાની ઓફિસમાં જઇ રોજીંદી કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાન સાડા નવ વાગ્યાની આસપાસ તેમને અચાનક યાદ આવ્યુ હતુ કે તેમની રૂ.૨ લાખ રોકડા ભરેલી બેગ તો કારમાં જ રહી ગઇ છે. જેથી તેઓ બેગ લેવા કાર પાસે પહોચ્યા હતા. કાર પાસે પહોચતા જ તેઓએ જે દ્રસ્યો જોયા તે જોઇ તેમના હોસ ઉડી ગયા. તેઓએ જોયુ કે કારની આગળની સાઇડનો બારીનો કાચ તુટેલો હતો, અને કારમાં મુકેલ રોકડ રૂપીયા ભરેલી બેગ ગુમ હતી. તુરંત પરિસ્થિતિ સમજી ગયેલ હાર્દીકભાઇએ પોલીસનો સંપર્ક કરતા નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. 
મહત્વની વાત છેકે મહાગુજરાત સર્કલથી વાણીયાવડ અને કોલેજ રોડ પર આ પ્રકારના કિસ્સાઓ અવાર નવાર બનતા હોવાની ચર્ચા સ્થાનિકો કરી રહ્યા હતા. જેઓમાં ચર્ચા હતી કે આ પ્રકારના બનાવો અગાઉ પણ બન્યા હોવા છતા પોલીસ ચોપડે કોઇ ફરીયાદ નોધાતી હતી. જોકે આજે પણ બનેલ કિસ્સામાં મોડી સાંજ સુધી પોલીસ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ બાબતે આ લખાઇ રહ્યું છે ત્યા સુધી પોલીસ ચોપડે કોઇ ફરીયાદ નોધાઇ નથી.

(5:22 pm IST)