Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વડોદરાના ચકચારી ગેસ લીકેજ, ૩ શખ્સોના મોતનો મામલોઃ ૧ એન્જીનીયર સહિત કુલ ૩ ની ધરપકડ કરાતા ખળભળાટ

૮ વર્ષ અગાઉ ગેસ જોડાણ રદ્દ કરાવ્યુ હોવા છતાં પાઈપલાઈનમાં ગેસનો પ્રવાહ યથાવત હતોઃ મચ્છર અગરબત્તી સળગાવતા જ બ્લાસ્ટ થયેલઃ સીપી અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા બાદ પીએસઆઈ કિરીટ લાઠીયા દ્વારા આકરી કાર્યવાહી

રાજકોટ, તા. ૪ :. વડોદરાના ઈલોરા પાર્કમાં આવેલ હાઉસીંગ સોસાયટીના એક ફલેટમાં તાજેતરમાં મધરાત્રે થયેલ બ્લાસ્ટમાં ચાર યુવકો ગંભીર રીતે દાઝી ગયા બાદ સારવાર દરમિયાન ૩ વ્યકિતઓના મોત નિપજવાના ચકચારી મામલામાં નવનિયુકત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા કર્યા બાદ ગોરવા પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કર્યાનું ગોરવા પોલીસ મથકના પીએસઆઈ કિરીટ લાઠીયાએ અકિલાને જણાવ્યુ હતું.

નવાઈની વાત એ છે કે, ૨૦૧૦માં ગેસ જોડાણ રદ્દ કરાવ્યુ હોવા છતા પાઈપલાઈનમાં ગેસનો પ્રવાહ યથાવત હતો પરિણામે લીકેજને કારણે ધડાકો થયો હોવાનું એફએસએલની તપાસમાં તારણ નિકળતા એફએસએલ રીપોર્ટ આધારે વડોદરા ગેસ લી. કંપનીના એન્જીનીયર, રીટાયર્ડ મીકેનીક અને હેલ્પર મિકેનીકની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરાના સુરેશભાઈ ધાનાણી ધ ડી પિત્ઝા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમા કામ કરતા કર્મચારીઓ પૈકી તાજેતરમાં જોડાયેલા શખ્સો ગોરવા જૂના ઈલોરા પાર્કમાં ફલેટ ભાડે રાખ્યો હતો. ૨૦મીની રાત્રે ચારેય શખ્સોએ બારી-બારણા બંધ કરી સૂતા હતા અને મચ્છર કરડતા હોવાથી મચ્છર અગરબત્તી સળગાવતા મધરાત્રે બ્લાસ્ટ થયો હતો. ગોરવા પીઆઈ આર.એસ. ડોડીયાએ વડોદરા ગેસ લી. કંપનીના જવાબદાર અધિકારી સામે ગુન્હો દાખલ કરી તપાસના અંતે એન્જીનીયર સ્ટીવન સેમ્યુઅલ ક્રિસ્ટી, નિવૃત મિકેનીક કિરીટ શાહ અને હેલ્પર મિકેનીક વિષ્ણુ બારીયાની ધરપકડ કરી હતી.

ગોરવા પોલીસ મથકના પીએસઆઈ કિરીટ લાઠીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વડોદરા ગેસ લી. કંપનીના જવાબદારો અધિકારીઓ, કર્મચારીઓ સામે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. ઈપીકો ૩૦૪માં બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો આરોપ સાબિત થાય તો આરોપીઓને ૧૦ વર્ષની સજા થઈ શકે છે.(૨-૨૦)

(3:57 pm IST)