Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદ : કાર ચોરતી ગેંગનો પર્દાફાશ : અધધ ૨૫૧ કાર ચોર્યાનું કબૂલ્યું

ગેંગમાં બે સગા ભાઇઓ સામેલ : એક ભાઇ આયુર્વેદિક ડોકટર

અમદાવાદ તા. ૪ : અમદાવાદ શહેરમાં ૨૫૧થી વધુ કારની ચોરી કરનાર ગેંગની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાંચે ૨૮ કાર સાથે અન્ય વસ્તુઓ પણ કબ્જે કરી છે. નોંધનીય છે કે આ ગેંગમાં બે સગા ભાઈઓ સામેલ છે જેમાં એક ભાઈ આયુર્વેદિક ડોકટર પણ છે જે હાલ ફરાર છે. આરોપીઓ કેટલીક સિલેકટેડ કારની ચોરીઓ કરતા હતા.

આ તમામ લોકો વર્ષ ૨૦૧૪થી કારની ચોરીઓ કરતા હતા અને તેને વેંચી દેતા હતા. પોલીસનુ કહેવુ છે કે આ લોકોએ અત્યાર સુધીમાં ૨૫૧થી વધુ ગાડીઓની ચોરીઓ કરી છે અને જેમાંથી પોલીસે ૨૮ કાર કબ્જે કરી છે. ક્રાઈમ બ્રાંચે કાર ચોરીની વધી રહેલા ઘટનાની તપાસ પણ કરી રહી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે ચોરીની મોટાભાગની કાર બાવળા તરફ જાય છે. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પહેલા અરવિંદની થલતેજમાંથી ચોરીની એક કાર સાથે પકડી પાડ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે ચોરાયેલ કાર આ લોકો સલીમ નામના વ્યકિતના ગોડાઉનમાં રાખતા હતા. આરોપી ભાઈઓ કાર ચોરી કરી રાજકોટ લઈ જતા હતા અને ત્યાં ૩૫-૪૦ હજારમાં વેંચી દેતા હતા. જે ગાડીઓ સારી હાલતમાં હોય તેવી કારના નંબર પ્લેટ બદલી વેંચી દેતા હતા. ટોટલ લોસની જે ગાડીઓ જાય છે તેના નંબર પ્લેટ આ લોકો ઉપયોગ કરતા હતા અને જે ગાડીઓની હાલત ખરાબ હોય તેવી ગાડીઓને સ્ક્રેપ કરીને વેંચી દેતા હતા.

નોંધનીય છે કે હાલ તો ૨૫૧ કારની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યા છે ત્યારે આ લોકો આ સિવાય અન્ય કેટલી ગાડીઓ ચોરી કરી છે તે માટે રિમાંડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથો સાથ હરેશને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગી છે.(૨૧.૨)

(12:19 pm IST)