Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભાનુશાળી સામે દુષ્કર્મનો કેસ કરનાર પીડિતાનો અંતે યુ ટર્ન

ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તો વાંધો નથી : પીડિતા તરફથી સોંગદનામું રજૂ કરીને તેણીએ નોંધાવેલી ફરિયાદ આગળ ચલાવવા માંગતી નહી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ, તા.૩ : ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા તરફથી આજે અચાનક યુ ટર્ન મારી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી આ ફરિયાદ આગળ ચલાવવામાં તેને રસ નહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેને પગલે ભાનુશાળીના ચકચારભર્યા કેસમાં આજે નવો જ વળાંક આવ્યો હતો. પીડિતાએ ખુદ જો જયંતિ ભાનુશાળી વિરૂધ્ધની તેણે નોંધાવેલી ફરિયાદ રદ કરવામાં આવે તો તેને કોઇ વાંધો નહી હોવાનું હાઇકોર્ટને જણાવ્યું હતું. જેને પગલે જસ્ટિસ પી.પી.ભટ્ટે પીડિતાને આમ કરતાં પહેલા બે વખત વિચાર કરવા અને પુખ્ત વિચારણાના અંતે યોગ્ય નિર્ણય લેવા ટકોર કરી હતી. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે,  આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ વેરીફિકેશન પણ જરૂરી છે.  જયંતિ ભાનુશાળી વિરૂધ્ધ પીડિતાએ નોંધાવેલી ફરિયાદ રદ કરાવવા ભાનુશાળી તરફથી હાઇકોર્ટમાં કરાયેલી કવોશીંગ પિટિશનની સુનાવણી આજે પીડિતા હાઇકોર્ટ રૂબરૂ હાજર રહી હતી. એટલું જ નહી, પીડિતા તરફથી આ કેસમાં ખૂબ જ મહત્વનું સોગંદનામું રજૂ કરી કેસમાંથી જાણે પીછેહઠ કરવામાં આવી હતી. પીડિતાએ સોંગદનામાં તેને આ ફરિયાદ હવે આગળ ચલાવવી નથી અને તેમાં કોઇ કાર્યવાહી આગળ થાય તેમ ઇચ્છતી નથી. પીડિતાના આ પ્રકારના સોગંદનામાં બાદ કેસમાં નવો જ વળાંક આવ્યો હતો અને બંને પક્ષે થયેલા સમાધાનના આધાર પર ફરિયાદ રદ કરવાની રજૂઆત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જો કે, હાઇકોર્ટે પીડિતાને પૃચ્છા કરી હતી કે, શું આ  સોગંદનામું તમે તમારી મરજીથી કર્યું છે? વિચારીને કહેજો, એવું પૂછવામાં આવતા પીડિતાએ કહ્યું કે, હા, મારી મરજી અને રાજીખુશીથી સોગંદનામું કર્યું છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું હતું કે, પોલીસને વેરિફિકેશન કરવા દો. સાત ઓગસ્ટ સુધીમાં પોલીસ વેરિફિકેશન કરે કે પીડિતા પર કોઈનું દબાણ તો નથીને. હવે આ અરજી પર સાતમી ઓગસ્ટે ફરીથી સુનાવણી થશે. ત્યારે હવે ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે. ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ માસમાં સુરતના કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય આ યુવતીએ તા.૧૦ જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીમાં તેણીએ જયંતી પર રસ્તામાં કાર થોભાવીને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ મુક્યો હતો. આ દરમિયાન તેમની સાથેના એક શખ્સે વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોના આધારે તે પીડિતાને બ્લેકમેલ કરીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. આરોપ લાગ્યા બાદ ભાનુશાળીએ પોતાની વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં આ કવોશીંગ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે સમાધાનકારી ડેવલપમેન્ટ સામે આવ્યું હતું. આ કેસની વધુ સુનાવણી તા.૭મી ઓગસ્ટે હાથ ધરાશે.

(8:12 pm IST)