Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મંદીના અજગરે મોઢુ ફાડયું

મુંબઇ-સુરત બાદ અમદાવાદનું હીરા બજાર હાલકડોલકઃ લોકડાઉનથી ૧૦૦ કરોડનું નુકશાન

અમદાવાદ, તા.૪: દેશના ટોપ કોરોનાગ્રસ્ત શહેરોમાં સામેલ અમદાવાદમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ પ્રમાણે કોરોના લોકડાઉનની અસરને કારણે શહેરના હીરા માર્કેટમાં ૧૦૦ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સુરતમાં વધી રહેલા કેસોને જોતા હીરા માર્કેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે શહેરનું બાપુનગર હીરા માર્કેટ પણ બંધ થવાને આરે છે.

મુંબઈ બાદ સુરત અને હવે અમદાવાદમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અનલોક-૧ જાહેર થયા બાદ હીરા માર્કેટ શરૂ થતાની સાથે બંધ કરવાની ફરજ પડી હતી. અનલોક-૨માં વધુ સરકારે વધુ છૂટછાટો આપી છે પરંતુ હીરા ઉદ્યોગની સ્થિતિ ઠેરની ઠેર રહી ગઈ છે. નોંધનીય છે કે, બાપુનગરનું હીરા માર્કેટ જે હંમેશા ધમધમતું હોય છે. પરંતુ સુરતના હીરા ઉદ્યોગની અસર બાપુનગરના હીરા માર્કેટ પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ દરેક સેકટરના ઉદ્યોગોમાં લોકોને મુશ્કેલી અને નુકસાનનો વેઠવવાનો વારો આવ્યો છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, લોકડાઉન બાદ અમદાવાદના હીરા માર્કેટમાં સતત મંદીનો માહોલ રહ્યો છે. જો સરકાર ધ્યાન નહીં આપે તો કારીગરોની હાલત ખૂબ જ કફોડી બને તેવી શકયતાઓ છે. અનલોક-૨જ્રાક્નત્ન વધુ છૂટછાટો મળતા થોડી આશાની કિરણો દેખાઈ હતી, પરંતુ સુરતમાં કોરોનાના કેસ અચાનક જ વધી જતાં ત્યાંના હીરાના કારખાના બંધ કરવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જયાં સુધી મુંબઈમાં હીરા ઉદ્યોગ શરૂ નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે.

(3:48 pm IST)