Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

અમદાવાદ રથયાત્રા શાંતિપૂર્ણરીતે સંપન્ન : લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા

રજવાડી ઠાઠ અને દિવ્યતા સાથે જગતના નાથની રથયાત્રા : શણગારેલ ૧૭ ગજરાજો, ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા અને ૧૮ ભજનમંડળીએ જમાવેલું આકર્ષણ : જય જગન્નાથ, જય રણછોડના નારાથી ભક્તિમય માહોલ

અમદાવાદ, તા.૪ :         શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી હતી અને ભારે રંગચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં આખરે સંપન્ન થઇ હતી. આ વખતે રથયાત્રામાં ૧૪૨ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રજવાડી વેશના મનમોહક સ્વરૂપમાં જાજરમાન રજવાડી ઠાઠ સાથે દર્શન આપ્યા હતા. સોનાના હીરા-માણેક જડિત મુગટ અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગારમાં રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી ભગવાનના રજવાડી વેશ સ્વરૂપના દિવ્ય અને અલૌકક દર્શન કરી લાખો શ્રધ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે, ખુદ જગતનો નાથ તેના ભકતો અને દીનદુઃખીયોને સામે ચાલીને દર્શન આપવા તેમના ઘરઆંગણે આવે છે, જેથી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આજે લાખોનો માનવમહેરામણ શહેરના માર્ગો પર જાણે કિડિયારાની જેમ ઉભરાયો હતો. ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતી રથયાત્રાને લઇ આજે શહેરમાં જાણે ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા સાથે શહેર આખું જાણે જગન્નાથમય બન્યું હતું. જગન્નાથમંદિરમાં રાત્રે એક વાગ્યાથી જ હજારો શ્રધ્ધાળુઓની ભીડ જમા થવાનું શરૂ થઇ ગયું હતું. મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ પરંપરા મુજબ, ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીંનો ભોગ-પ્રસાદ ધરાવાયો હતો. સવારે ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા હતા. સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા હતા અને ત્યારબાદ ૭-૦૫ મિનિટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સોનાની સાવરણથી પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  રથયાત્રા જેવી મંદિર પરિસરથી શરૂ થઇ કે જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, જાણે ભકિત અને પ્રેમનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હોય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો પણ ખાસ જીપમાં સવાર થઇ રથયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ દરમ્યાન મહંત દિલીપદાસજીને વંદન કરવા દર્શનાર્થીઓએ પડાપડી કરી હતી. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં લઘુમતી કોમના આગેવાનો ઇદેમિલાદ તથા તાજિયા કમીટીના જનરલ સેક્રેટરી હબીબ મેવ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ, તાજીયા કમીટીના ચેરમેન રફીક નાગોરી, કોંગ્રેસના મહામંત્રી ઇકબાલ શેખ  સહિતના આગેવાનોએ મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાનું ફુલોના હાર પહેરાવી-શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. રથયાત્રાના અગ્રભાગમાં ૧૭ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચવાના પવિત્રકાર્યમાં જોડાયા હતા. દેશભરમાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, મથુરા, વૃંદાવન, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગિરનાર સહિતના સ્થાનોએથી આવેલા ૨૫૦૦થી વધુ સાધુ-સંતો પણ આ રથયાત્રામાં જોડાયા હતા. તો, લાખો શ્રધ્ધાળુ ભકતો પણ શહેરના માર્ગો પર જગતના નાથના દર્શન માટે ઉમટયા હતા. નાના બાળકથી માંડી અબાલ-વૃધ્ધ સૌકોઇએ રથયાત્રાના અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનની એક માત્ર ઝલક મેળવવા તેમના ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. જગન્નાથજી મંદિર, ભગવાનના મોસાળ સરસપુર અને રથયાત્રાના રૂટના માર્ગો પર કયાંક કયાંક શ્રધ્ધાળુ ભકતોની આંખોમાં પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવતાંની સાથે હરખના રીતસરના આંસુ સરી પડયા હતા અને તેને લઇ રથયાત્રા દરમ્યાન આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મોડી સાંજે ભારે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નિજમંદિરે પરત ફરી હતી ત્યારે મંદિર સત્તાધીશો, પોલીસ અને વહીવટીતંત્ર સહિતના સૌકોઇએ રાહતનો દમ ખેંચ્યો હતો.

(8:04 pm IST)