Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મોસાળમાં લાખો શ્રદ્ધાળુને પ્રેમથી જમાડવામાં આવ્યા

ભલાભગતની પોળમાં સાધુ-સંતોનો ભંડારો : દાળ-ભાત, બે પ્રકારના શાક, ફુલવડી, બુંદી, મોહનથાળ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી રથયાત્રિકો તૃપ્ત

અમદાવાદ, તા.૪ : ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા બપોરે એકાદ વાગ્યે મોસાળ સરસપુરમાં આવી પહોંચી ત્યારે આતુરતાથી રાહ જોઇને બેઠેલા હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. બીજીબાજુ રથયાત્રામાં જોડાયેલા લાખો લોકોના પ્રભુપ્રસાદ માટે મોસાળ સરસપુરની જુદી જુદી નવ જેટલી પોળોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને ભારે આદર, પ્રેમ અને ભાવ સાથે ભોજન પીરસી તેમને જમાડી તૃપ્ત કરવામાં આવ્યા હતા. સરસપુરની વાસણશેરીમાં ભલાભગતની પોળમાં રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે ખાસ પ્રકારે વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં આગંતુક સાધુ-સંતોને પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, પૂરી, શીરો જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરાયું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે બપોરે એક વાગ્યે સરસપુર ખાતેના મોસાળમાં આવી પહોંચી ત્યારે એકબાજુ, ભાણિ-ભાણિયાઓના ભવ્ય અને રંગેચંગે મામેરાની વિધિ ચાલતી હતી ત્યારે બીજીબાજુ, રથયાત્રામાં આવેલા લાખો ભાવિકભકતો, નગરજનો અને સાધુ-સંતોનું સરસપુરની વાસણશેરીના ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી, જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદી, સરસપુર મહાજનના અગ્રણી બિપીનભાઇ બારોટ સહિતના મહાનુભાવોએ ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા ખૂણાઓથી હજારો સાધુ-સંતો આવ્યા હતા. વાસણશેરીના ભલાભગતના રણછોડજી મંદિર ખાતે રથયાત્રામાં ખાસ જોડાયેલા બે હજારથી વધુ સાધુ-સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાયું હતું. ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી અને  જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે રથયાત્રામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો, મંહતો, સ્વયંસેવકો, રથયાત્રિકો સહિત સૌકોઇ માટે વર્ષોથી પરંપરા મુજબ, સરસપુરની નવથી વધુ પોળોમાં આજે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સૌથી મોટુ રસોડુ લવાર શેરી, વાસણ શેરીનું હતું. આ સિવાય સાળવી વાડ, પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરી તેઓને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડવામાં આવ્યા હતા. મેનુમા દાળ-ભાત, બે પ્રકારના શાક, ફુલવડી, બુંદી, મોહનથાળ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓએ જમાવટ કરી હતી. મોસાળમાં રથયાત્રિકોના આ પ્રભુપ્રસાદ માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવતી હોય છે, તો પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડે છે. સરસપુરવાસીઓને ભગવાનના મોસાળાપણાંનો યોગ પ્રાપ્ત થયો છે તે જ અમારા બધા માટે તો સૌથી મોટા આશીર્વાદ છે.

સરસપુર ખાતે ભોજન નહીં ખુટવાની પરંપરા

સરસપુરની અનોખી પરંપરા

અમદાવાદ, તા. ૪ : રથયાત્રાની રસપ્રદ બાબત અંગે સરસપુર મહાજનના અગ્રણી બિપીનભાઇ બારોટે જણાવ્યું હતું કે, આટલા વર્ષોના ઇતિહાસમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો સહિત નગરજનો સરસપુરની નવથી વધુ પોળોમાં દર વર્ષે રથયાત્રાના દિવસે ભારે પ્રેમ અને આદરપૂર્વક જમતા હોય છે, પરંતુ હજુ સુધી કયારેય જમવાનું ખૂટયું નથી. ભગવાનનો એવો ચમત્કાર છે કે, લાખોની સંખ્યામાં લોકો જમે છે તેમ છતાં હજુ સુધી કયારેય જમવાનું બગડયુ નથી કે, કયારેય રસોઇ ખૂટી નથી. સરસપુરના સ્થાનિક લોકો તો વર્ષોથી ભગવાન જગન્નાથજી અને તેમના ભકતોની સેવામાં તત્પર રહે છે. નોંધનીય વાત તો એ છે કે, આઠ-દસ દિવસની મહેનત બાદ શ્રધ્ધાળુ ભકતો માટે બનાવાયેલા જમવામાંથી આ પોળોનો એકપણ વ્યકિત જમતો નથી, તેઓ તો તેમના ઘેર જ જમે છે. બસ ભગવાનના આ પુણ્યકાર્યમાં તેઓ તો સેવા આપવા ઇચ્છતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રાની બીજી એક નોંધનીય વાત એ છે કે, રથયાત્રાના દિવસે રથ ખેંચનાર ખલાસ ભાઇઓ પણ સરસપુરની પોળોમાં કયારેય જમતા નથી, તેઓ તેમના ઘરેથી લાવેલુ ભોજન જ અને એ પણ રથ પર જમી લેતા હોય છે. કારણ કે, લાખોની જનમેદની વચ્ચે ભગવાનના રથની સુરક્ષાની જવાબદારી હોઇ તેઓ રથ છોડીને કયાંય જતા નથી. ખલાસભાઇઓની સેવા પ્રશંસનીય અને નોંધનીય બની રહે છે.

(8:03 pm IST)