Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

રંગેચંગે ભાણિ અને ભાણિયાનું જાજરમાન મામેરૂ યોજાઇ ગયું

મામેરા વખતે જાણે મોસાળમાં ભકિતનું ઘોડાપૂર : ભાણિ-ભાણિયાઓને સોના-ચાંદીના દાગીના, અલકાંરિક વસ્ત્રો સહિત શણગાર અર્પણ : મોસાળવાસી ભાવવિભોર

અમદાવાદ, તા.૪  : ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની ૧૪૨ મી રથયાત્રા આજે બપોરે એકાદ વાગ્યે સરસપુર ખાતેના મોસાળમાં આવી પહોંચી ત્યારે પહેલેથી જ ચાતક નજરે રાહ જોઇને બેઠેલા હજારો શ્રધ્ધાળુ ભકતો પ્રભુ પધાર્યાની લાગણી સાથે ભારે હર્ષોલ્લાસ અને ખુશીથી ઝુમી ઉઠયા હતા. મોસાળમાં ભગવાનની એક ઝલક જોઇને ભકતો ખાસ કરીને મહિલાઓ-વૃધ્ધો જાણે ભાવવિભોર બન્યા હતા. હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ભારે હેત અને પ્રેમ સાથે વધામણાં કર્યા હતા. ઢોલ-નગારા, કરતાલ-મંજીરાની રમઝટ અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભારે રંગેચંગે અને વાજતે ગાજતે ભાણિ-ભાણિયાઓનું ભવ્યાતિભવ્ય  અને જાજરમાન મામેરું કરવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ થતા મામેરાના દર્શન માટે આજે સરસપુર રણછોડજી મંદિર ખાતે અને જાગનાથ મહાદેવ ચોક,સરસપુર કે જયાં ત્રણેય રથો ઉભા રખાય છે ત્યાં હજારો શ્રધ્ધાળુ ભકતોએ હરખઘેલા બની જોરદાર પડાપડી કરી હતી. જેને લઇ જાણે ભકિતનું ઘોડાપૂર છવાયું હતુ અને મામેરા દરમ્યાન વરસાદ વરસતાં શ્રધ્ધાળુઓ ઝુમી ઉઠયા તહા અને એક તબક્કે મોસાળવાસીઓ ભાવવિભોર બનતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વર્ષો બાદ આ વખતે ભગવાનનું મામેરું કરવાનો અવસર શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા કાનજી પટેલના પરિવારને પ્રાપ્ત થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ(ભાણિ-ભાણિયાઓ)નું મામેરાના પ્રસંગને લઇ સરસપુર ખાતેના મોસાળમાં હજારો શ્રધ્ધાળુ ભકતોમાં અનરો ઉત્સાહ અને ભકિતભાવ જોવા મળતો હતો. ભગવાનના ભવ્ય મામેરા ટાણે રણછોડજી મંદિરમાં જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના ભગવાનના પોકાર અને નારા ગુંજી ઉઠયા હતા. મામેરાના દર્શન કરી શ્રધ્ધાળુ ભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. ભગવાનના મામેરામાં મૂકાયેલા સોના-ચાંદીના દાગીનાથી માંડી અલંકારિક અને રંગેબરંગી વાઘા-વસ્ત્રો અને સાજ-શણગાર સૌકોઇના મન મોહી લેતા હતા. મોસાળમાં ભકિતસભર અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમ્યાન રણછોડજી મંદિરના પ્રમુખ નવીનભાઇ પટેલ અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વખતે ભગવાનને નવી જ ડિઝાઇનના સોના-ચાંદીના દાગીના, હાર સહિતના ઘરેણાં ઉપરાંત રંગબેરંગી અને અંલકારિક વાઘા-વસ્ત્રો મામેરામાં અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રને સોનાનો ઢોળ ચઢાવેલા સુંદર ચાંદીના હાર, કાનની બુટ્ટી, ચુની, વીંટી સહિતના દાગીના ઉપરાંત બહેન સુભદ્રાજી માટે ખાસ પાર્વતી શણગાર ઉપરાંત કલરફુલ ડિઝાઇનમાં અલંકારિક વસ્ત્રો અને વાઘા સહિતનો ઝીણામાં ઝીણો સાજ-શણગાર ભાણિ-ભાણિયાઓને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યજમાન કાનજીભાઇ પટેલે ભાણિ-ભાણિયાઓનું મામેરૃં કરવાની તક પ્રાપ્ત થઇ તેને પોતાના જીવનની ધન્યતા અને સદ્ભાગ્યતા કાનજીભાઇએ ગણાવી હતી. કાનજીભાઈએ જણાવ્યું કે, જગતના નાથનું મામેરૃં કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી ૨૦ વર્ષ પહેલા જેમણે મામેરૃં કર્યું હતું, તે જોઈને મને ઈચ્છા થઈ હતી કે, હું પણ આ રીતે મામેરૃં કરૂ,  ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આખરે મારો નંબર લાગ્યો છે. જે માટે હું મારી જાતને નસીબદાર ગણું છું.

ભજનમંડળી બહેનોની જોરદાર જમાવટ.......

         અમદાવાદ, તા. ૪ : સરસપુર ખાતેના મોસાળમાં આજે ભજનમંડળીઓ અને મહિલાઓ-બહેનોએ મંજિરા-કરતાલના સહારે જોરદાર ભજન-કિર્તન કરી ભગવાન જગન્નાથજીના ભકિતરસમાં તરબોળ બની મામેરાના પ્રસંગમાં જમાવટ કરી હતી. વહેલી સવારથી જ મહિલાઓએ સુંદર અને લોકપ્રિય ભજનો અને ધૂનની  જમાવટ કરી હતી. કેટલીક ઉત્સાહી અને ભકિતમાં ગળાડૂબ બનેલી મહિલાઓ તો રીતસરની ઝુમી-નાચીને પ્રભુના કિર્તન કરતાં નજરે પડતી હતી. શ્રદ્ધાળુ મહિલાઓ ભકિતરસમાં તરબોળ બની ત્યારે મોસાળમાં ભકિતસભર માહોલ છવાઇ ગયો હતો.

(8:02 pm IST)