Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

રથયાત્રાની સાથે સાથે.......

તમામ રૂટ પર લાખોનો માનવમહેરામણ ઉમટ્યો

અમદાવાદ, તા.૪  : શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી હતી . રથયાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

*      ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સવારે ૭-૦૦ વાગ્યે નિજમંદિરેથી પ્રારંભ

*      ભગવાન જગન્નાથજીના સૌથી પહેલા દર્શન ગજરાજોએ કર્યા

*      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  પહિંદવિધી કરી રથયાત્રાનું વિધીવત રીતે પ્રસ્થાન કરાવ્યુ

*      જગન્નાથ મંદિર અને મંદિર પરિસરની આજુબાજુ આ વર્ષે અભૂતપૂર્વ લોખંડી અભેદ્ય સુરક્ષા કવચ ઉભુ કરાયુ હતુ, તમામનું બેથી ત્રણ વાર ચેકીંગ થતું હતું

*      રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા

*      રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા લાખોની સંખ્યામાં ઉર્પણા પ્રસાદ રૂપે વિતરણ

*  શહેરના માર્ગો અને રથયાત્રાના તમામ રૂટ પર લાખોનો માનવમહેરામણ ઉમટયો

*      વહેલી પરોઢે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી

*      સવારે ૫-૪૫ વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની રથમાં સ્થાપન વિધિ કરવામાં આવી

*      ભગવાન જગન્નાથજી નંદીઘોષ રથ, બહેન સુભદ્રાજી કપિધ્વજ અને ભાઇ બલરામ તાલધ્વજ રથમાં બિરાજમાન થયા

*      હોમગાર્ડ, કોન્સ્ટેબલથી માંડી પોલીસ કમિશનર, રાજયના ડીજીપી,એસપી, ડીએસપી, ડીવાયએસપી સહિત બીએસએફ, સીઆરપીએફ, એસઆરપી, આરએએફ, ચેતક કમાન્ડો, અર્ધ લશ્કરી દળોના જવાનો સહિત ૨૫ હજારથી વધુ સુરક્ષા જવાનો રથયાત્રામાં ખડેપગે તૈનાત રહ્યા

*      રથયાત્રામાં અખાડિયનો અને સુંદર રીતે શણગારાયેલી તેમ જ વિવિધ ટેબ્લો, થીમબેઝ કટઆઉટ, વેશભૂષામાં સજ્જ કલાકારો અને સંવેદનશીલ સામાજિક સંદેશા રજૂ કરતી ટ્રકોએ સૌથી વધુ આકર્ષણ જમાવ્યું

*      ભજનમંડળીની બહેનો, મહિલાઓ અને સખીઓએ ભજન અને રાસ-કિર્તનથી ભકિતરસની જમાવટ કરી અને શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાયા

*      અખાડામાં સૌપ્રથમવાર બાળાઓએ મલખમ, અંગ કસરત અને યોગના કરતબ બતાવી સૌકોઇને આશ્ચર્યચકિત કરી દીધા

*      અખાડિયનોના અંગ-કસરતના દાવ, દાંત વડે સાયકલ ગોળ ફેરવવા, લોખંડનો સળિયો વાળવા, સીડીની ગુલાંટ, ઉંચા દોરડા પર ચાલવા સહિતના કરતબો અને પ્રયોગોએ લોકોને ઉભા રહી કરતબ જોવા અને તાળીઓ પાડવા જાણે મજબૂર કર્યા હતા

*      સુશોભિત ટ્રકો પર વિશાળ અને સામાજિક સંદેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

*      અખાડાના કરતબોમાં મહિલાઓએ પણ જોખમી એવા તલવારના પ્રયોગ કરી સૌને અચંબામા પાડી દીધા

*      અલગ-અલગ વેશભૂષામાં આવેલા કલાકારો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

*      ભગવાનના મોસાળ સરસપુરમાં રથયાત્રા અને મામેરાવિધિને લઇ ઉત્સવનો માહોલ છવાયો હતો

*      સરસપુર ખાતેના મોસાળમાં સાધુ-સંતો,મહંતો,રથયાત્રિકો સહિત દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો ભોજન-પ્રસાદી પામી તૃપ્ત થયા

*      રથયાત્રાના સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા, ડ્રોન, મોબાઇલ માઉન્ટેડ વ્હીકલ અને એરસર્વેલન્સ સહિતની હાઇટેક સુરક્ષાથી બાજ નજર રખાઇ

*      રથયાત્રાના સમગ્ર રૂટ પર ભકતજનો માટે પાણી, શરબત અને છાશના વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા

*      રાયપુર વિસ્તારમાં મુરલીધર યુવક મંડળ દ્વારા રથયાત્રિકો માટે વેજીટેબલ વીથ ડ્રાયફ્રુટ સાથેની ખીચડીનો પ્રસાદ

*      સવારે ૧૦-૫૫ મિનિટે ગજરાજો સૌથી પહેલા સરસપુર ખાતેના મોસાળ પહોંચ્યા હતા

*      શહેરના પશ્ચિમના વિસ્તારોમાં પણ જુદી જુદી રથયાત્રાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતુ,

*      પશ્ચિમના વિસ્તારમાં નીકળેલી રથયાત્રાઓમાં પણ શ્રધ્ધાળુ ભકતોએ ફણગાવેલા, મગ, જાંબુ, કાકડીનો પ્રસાદ લેવા રીતસરની પડાપડી કરી હતી

(8:02 pm IST)