Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીનો વ્હીપ મોકલીને સાણસામા લીધા

રાજયસભાની ચૂંટણીમાં ગેરહાજર રહે અથવા તો ક્રોસ વોટીંગ કરે તો પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ

ગાંધીનગર, તા. ૪ : રાજયસભાની બે બેઠકોની કાલે પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને બરાબરના સાણસામા લઇને ઇ-મેઇલ કરીને અને ઘરમાં વ્હીપ ચોટાડી દેવામાં આવ્યા છે.

રાજયસભાની બે બેઠકોની પાંચમી જુલાઇએ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે તેમના બાગી તેવર ધરાવતા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીનો વ્હીપ અલગ અલગ પ્રકારે મોકલીને તેમને સાણસામા લઇ લીધા છે. પહેલી તારીખે કોંગ્રેસના ધારાસભ્યોની બેકઠમાં તમામ ૭૧ ધારાસભ્યોને રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવાનો વ્હીપ જારી કર્યો હતો. આ વ્હીપ તમામ ધારાસભ્યોને વ્હોટસ એપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. પરંતુ બેઠકમાં હાજર નહિ રહેનારા અલ્પેશ અને ધવલસિંહે આવો કોઇ વ્હીપ મળ્યા હોવાનો ઇનકાર કરી મોટા બણગાં ફૂંકયા હતાં. પરંતુ હવે અલગ અલગ રીતે આપેલા વ્હીપનો જો તેઓ અનાદર કરે તો કોંગ્રેસ તેમની સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકશે તે વાંચી છે.

બીજી જૂલાઇએ શરૂ થયેલાં વિધાનસભાનાં ચોમાસુ સત્રનાં પહેલાં જ દિવસે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને લેખિતમાં ત્રણ લીટીનો વ્હિપ જારી કર્યો હતો. સત્રનાં પહેલા દિવસે અલ્પેશ ઠાકોર હાજર નહોતાં. રહ્યાં પણ એવું કહેવાય છે કે, ધવલસિંહ ઝાલા વિધાનસભા સંકુલમાં આવ્યા હતાં. આ સમયે કોંગ્રેસનાં દંડક અશ્વિન કોટવાલે અનેકવાર પ્રયાસ કર્યા પણ ધવલસિંહે આ વ્હિપ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. તો અલ્પેશ ઠાકોરે પણ મોટા ઉપાડે એવું જાહેર કર્યુ હતું કે, તેને કોઇ વ્હિપ મળ્યો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં કાર્યાલયમાંથી અલ્પેશને વ્હિપનો ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન મંગળવારે બપોરે કોંગ્રેસનાં દંડક અશ્વિન કોટવાલ સહિત ધારાસભ્યો સી. જે. ચાવડા, ગેનીબહેન ઠાકોર અને પ્રતાપ દૂધાત ગાંધીનગર સ્થિત ધારાસભ્યોનાં કવાર્ટર્સમાં અલ્પેશને ત્યાં ગયા હતાં, પરંતુ અલ્પેશ હાજર નહિ હોવાનાં કારણે દંડકે આ વ્હિપ તેમનાં કવાર્ટરની બહાર ચોંટાડી દીધો હતો. આવી જ રીતે ધવલસિંહ ઝાલાના કવાર્ટર પર પણ તેમણે વ્હિપ ચોંટાડયો હોત. આ ઉપરાંત આ બન્ને ધારાસભ્યોને કોંગ્રેસનો વ્હિપ રજીસ્ટર્ડ એડીથી પણ મોકલવામાં આવ્યો છે. જેથી પાંચમી જૂલાઇએ આ બન્ને ધારાસભ્યો એમ ન કહે કે તેમને વ્હિપ મળ્યો નથી.

કોંગ્રેસે રાજયસભાની ચૂંટણી માટે જારી કરેલો ત્રણ લીટીનો વ્હિપ આ બન્ને બાગી ધારાસભ્યોનાં કવાર્ટર ઉપર ચોંટાડીને તેમજ રજિસ્ટર્ડ એડી અને ઇ-મેઇલ મારફતે પણ વ્હિપ મોકલીને બન્ને ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષે સાણસામાં લઇ લીધા છે. રાજયસભાની ચૂંટણીમાં જો આ બન્ને ધારાસભ્યો ગેરહાજર રહે અથવા તો ક્રોસ વોટીંગ કરે તો બન્નેને નિયમો પ્રમાણે પક્ષમાંથી છ વર્ષ માટે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ થઇ જાય અને કોઇ ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરે. આમ કોંગ્રેસે પોતાનો માસ્ટર સ્ટ્રોક મારીને અલ્પેશ અને ધવલસિંહની મેલી મુરાદો પર પાણી ફેરવી દીધું છે.

(3:31 pm IST)