Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

૮૦૦૦ લિટર દૂધ ઢોળી નાખ્યું

અલાયદી દૂધ મંડળીની માગણી સાથે સાબરકાંઠાના બાયડની મહિલાઓએ

અમદાવાદ તા. ૪ :.. સાબરકાંઠા જિલ્લાના બાયડ ગામની મહિલાઓએ ગઇકાલે સવારે ગામના પાદરમાં અંદાજે આઠ હજાર લીટર દૂર રસ્તા પર ઢોળી નાખ્યું હતું. આટલું જ નહીં, દૂધ ઢોળ્યા પછી આ મહિલાઓએ સાબરકાંઠા દૂધ મંડળીના નામનાં છાજિયાં પણ લીધાં હતાં. બન્યું એવું હતું કે બાયડના દૂધ વિક્રેતાઓ છેલ્લા લગભગ આઠેક મહિનાથી અલાયદી દૂધ મંડળી માગે છે, પણ સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ બાયડને કોઇ મંડળી આપતું નથી જેને લીધે બાયડના માલધારીઓએ બાજુન ગામની વારેણા દૂધ મંડળીને માલ વેચવો પડે છે. આ રીતે માલ વેચવામાં બાયડના માલધારીઓને લીટરે પંચોતેર પૈસાની નુકસાની જાય છે જે કમિશનરૂપે વારેણાની મંડળીને મળે છે. દરરોજની આમ હજારો રૂપિયાની નુકસાની સહન કરવી પડતી હોવાથી બાયડના માલધારીઓ હવે આક્રમક બન્યા છે અને સાબરરકાંઠા દૂધ ઉત્પાદક સંઘને મલ નહીં વેચવાનો નિર્ણય લઇ લીધો છે.

આ જ કારણે ગઇકાલે દૂધ ખરીદવા માટે જયારે વેન આવી ત્યારે એની હાજરીમાં જ તમામ મહિલાઓએ દૂધ ઢોળી નાખ્યું અને સંઘના નામનાં છાજિયાં લીધા હતાં. બાયડ માલધારી સમાજના આગેવાન કિટ્ટરામ કોયડાએ કહ્યું હતું, 'જયાં સુધી અમને મંડળી આપવામાં નહીં આવે અને અમારી પાસેથી સીધો માલ નહીં ખરીદે ત્યાં સુધી અમે આ રીતે વિરોધ ચાલુ રાખશું, નુકસાન સહન નહીં થાય તો અમે જાતે માલ છૂટક વેચવાનું ચાલુ કરશું પણ આવો અન્યાય નહીં સહન કરીએ.'

સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ સાથે વાત કરતાં સંઘનાં સેક્રેટરી એલ. કે. સીતાપરાએ કહ્યું હતું., 'નવી મંડળીને પરમિશન આપતાં પહેલાં  એના ધારાધોરણ અને નિયમમાંથી પસાર થવું પડે. અમે બાયડ માલધારી સમાજને એના વિશે કહયું છે પણ એ લોકો નિયમોમાં બંધબેસતા નહીં હોવાથી અમે સ્વતંત્ર મંડળી તરીકે એને સ્વીકારી શકતાં નથી.'

બાયડ માલધારી સમાજના આગેવાન  કિટ્ટરામ કોયડાએ કહયું હતું, 'એ લોકોના મળતિયા અમારા જૂથમાં નહીં હોવાથી આવા  બહાનાંઓ કાઢવામાં આવે છે.' (પ-ર૦)

(11:43 am IST)