Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કાલે રાજયસભાની ચૂંટણી : ઔપચારિક છતાં ઉત્તેજનાભર્યો જંગ

સહેલગાહે લઇ જવાયેલા ધારાસભ્યોને કોંગ્રેસ સમુહમાં મતદાન મથકે લઇ જશે : ભાજપની બહુમતી છતા કોંગ્રેસને ક્રોસ વોટીંગનો ભય

ગાંધીનગર, તા., ૪: ગુજરાતની રાજયસભાની બે બેઠકો માટે આવતીકાલે સવારે ૧૦ થી પ વિધાનસભા ભવન ખાતે મતદાન થનાર છે. મતદાન પુર્ણ થયા બાદ તુરત મત ગણતરી શરૂ થશે. બે બેઠકોના મતદાન અલગ-અલગ થનાર હોવાથી બહુમતીના જોરે ભાજપનો વિજય નિશ્ચિત છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોમાંથી સંભવીત ક્રોસ વોટીંગ રોકવા સભ્યોને બનાસકાંઠા જીલ્લામાં ખસેડયા છે. ત્યાંથી આજે રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે લાવી સીધા મતદાન મથકે લઇ જશે. ચુંટણી જંગ ઔપચારીક થતા પ્રવર્તમાન સંજોગોને કારણે રાજકીય ઉતેજનાભર્યો બની ગયો છે.

રાજયસભા માટે ભાજપે વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તેની સામે કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડયા મેદાનમાં છે. બે અલગ-અલગ જાહેરનામા બહાર પાડવાની પધ્ધતી સામે કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં વાંધો ઉઠાવેલ પરંતુ સુપ્રિમ કોર્ટે કોંગ્રેસની માંગણી ફગાવી દીધેલ. ચુંટણી પછી આ મુદ્દે નવેસરથી કાનુની જંગ થવાની શકયતા નકારાતી નથી.

રાજયસભાની ચુંટણી માટે કોંગ્રેસમાં તોડફોડ કરી ચોક્કસ રાજકીય મેસેજ આપવાનો ભાજપનો પ્રયાસ છે. કોંગ્રેસના જેટલા સભ્યો છે તેટલા અકબંધ રહે તે માટે સલામત સ્થળે સહેલગાહે ખસેડવામાં આવ્યા છે. ભાજપે આ પગલાને ધારાસભ્યો પરના અવિશ્વાસનો પ્રવાસ ગણાવ્યો છે. કાલે મતદાનના પ્રારંભે જ લગભગ ધારાસભ્યો મતદાન પુરૂ કરી નાખશે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વ્હીપ આપ્યો છે. તે સિવાય ૬૯ જેટલા ધારાસભ્યો અકબંધ હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસ સાથે કેટલુ સંખ્યાબળ રહે છે તે કાલે સાંજે મત પેટી ખુલે ત્યારે સ્પષ્ટ થઇ જશે.

(11:43 am IST)