Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

હવે દારૂ પીને કે હેરાફેરીમાં પકડાયા તો ખેર નથીઃ સજામાં ત્રણ ગણો વધારો

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કર્યો

અમદાવાદ, તા.૪: વિધાનસભામાં સિગારેટ અને તમાકુની અન્ય બનાવટો (જાહેર ખબર ઉપર પ્રતિબંધ અને તેના વેપાર અને વાણિજય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયમન) અધિનિયમ (COTPA) (ગુજરાત સુધારા) વિધેયક- ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું. જેમાં ઇ સિગારેટ પર ચૂસ્તપણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તથા દારૂ પીવા અને હેરાફેરી કરવાની સજામાં વધારો કરાયો હોવાનું રાજયના ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

 

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, કાયદાને કડક બનાવી દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કરી ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે. દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને ૩ વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને ૫ વર્ષ સુધીની કેદ અને રૂ. ૫ લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરી હોવાનું ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું હતું.

કોટ્પા કાયદામાં સુધારો કરીને હુક્કાબારને પ્રતિબંધીત કરીને ૩ વર્ષ સુધીની કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઇ નિયત કરી છે અને હવે આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ (ઇલેકટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ (ENDS) કે જે સામાન્ય રીતે ઇ-સિગારેટ તરીકે ઓળખાય છે. તેના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વ્યાપાર, વિતરણ, વેચાણ (ઓનલાઇન સહિત) ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા COTPA સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ COTPA – ગુજરાત સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં રાજયમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં દ્યણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકશાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.

રાજયનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજય સરકારે મૂળ COTPA – ૨૦૦૩ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો છે. સૂચિત જોગવાઇ દાખલ થવાથી આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહી અને રૂપિયા ૫૦ હજાર સુધી પરંતુ રૂપિયા ૨૦ હજાર થી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્ત્।ા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે.

ગૃહ રાજયમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ૧૨ રાજયો તથા વિશ્વના ૩૦ થી વધુ દેશોમાં ઇ-સિગારેટ ઉપર ઠરાવ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્રબળ રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાત એક માત્ર એવું રાજય છે કે જયાં ઇ-સિગારેટ ઉપર કોપ્ટા – ૨૦૦૩ કાયદામાં સુધારો કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યકિતઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારીરિક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવાધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો સૂચવતી જોગવાઇ દાખલ કરવામાં આવી છે.

રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુકત થાય તે માટે રાજય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજય સરકાર છોડશે નહીં. નાર્કોટીકસ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીકસ પકડાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે અને બુટલેગરો વિરૂધ્ધ પીએમએલએ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું.(૨૩.૪)

(10:05 am IST)