Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નહીં જાયઃ મારા ઘરે વ્હીપ પહોચાડવા માટે પ૬ની છાતી જોઇએ: અલ્પેશ ઠાકોર

અમદાવાદ :ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણ કરાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે આબુ લઈ જવાની છે. ત્યારે કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નહિ જાય તેવું જાણવા મળ્યુ છે. પરંતુ પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મોટો ધડાકો કર્યો છે. અલ્પેશે દાવો કર્યો કે, 18 ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે. તો સામે ધવલસિંહે પણ કહ્યું કે, 10થી 15 ધારાસભ્યો આબુ નહિ જાય.

હું રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરીશ

કોંગ્રેસ ક્રોસ વોટિંગના ડરથી પોતાના તમામ ધારાસભ્યોને વોલ્વો બસ દ્વારા માઉન્ટ આબુ લઈ જવાની છે. 2 ધારાસભ્યો તૂટતા હોવાનો કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર કરીને આડકતરી રીતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર ઈશારો કર્યો હતો. ત્યારે અલ્પેશ ઠાકોરે ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યું કે, 18 ધારાસભ્યો કોગ્રેસ છોડવા માંગે છે. ગુજરાતની દારૂબંધીનો કોંગ્રેસના નેતાઓ રાજસ્થાનમાં પણ અમલ કરે એવી આશા છે. કોંગ્રેસના નેતાઓને હેપ્પી જર્ની. તો વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યો સાથે સંવાદ રાખતી નથી. હું રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરીશ. મને હજુ કોગ્રેસનો વ્હિપ મળ્યો નથી. હું વ્હીપની રાહ જોઉં છું. મારા ઘરે વ્હીપ ચોંટાડવા માટે 56ની છાતી જોઇએ. જો કોઇ આવી હરકત કરશે તો મારી ભાષામાં જવાબ આપીશ.ગત રાજ્યસભા ઈલેક્શનમાં પણ કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, તેની સામે પણ કોંગ્રેસ કંઈ કરી શકી. કોંગ્રેસ માત્ર ખોટી બણગાબાજી કરે છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અહી રાખી શકે છે. શું જરૂર છે આબુ લઈ જવાની

10 થી 15 ધારાસભ્યો આબુ નહિ જાય...

કોંગ્રેસના ધારાસભ્યોના માઉન્ટ આબુ લઈ જવાની જાહેરાત બાદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 10થી 15 ધારાસભ્યો નહિ જાય તેવું મને ચોક્કસ ખબર છે. તો બીજી તરફ, તેમણે કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીવા માટે આબુ જતા હોવાની પણ વાત કરી.

હાલ રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાના ચિત્ર પર નજર કરીએ, તો હાલ ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. કોંગ્રસના ધારાસભ્યો 71 છે. બીટીપીના 2 ધારાસભ્યો, 1 એનસીપી ધારાસભ્ય, 1 અપક્ષ ધારાસભ્ય છે. 4 વિધાનસભા સીટ ખાલી પડી છે. તો 3 સીટ વિવાદીત છે.

(12:53 pm IST)