Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઉલ્ટી ગંગા : અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વાહન માલિકને ચૂકવવા પડ્યા 2 હજાર !!

ગ્રામ્ય કોર્ટે ટ્રાફિક પોલીસને રૂ.2000 વાહન માલિકને ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદમાં કંઈ અનોખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ટ્રાફિક પોલીસે એક વાહન માલિકને 2 હજાર રુપિયા ચૂકવવા પડ્યા છે ટ્રાફિક પોલીસે વાહન જપ્ત કર્યુ હતું અને માલિકે સીધી અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. જેની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટ્રાફિક પોલીસને રૂ.2000 વાહન માલિકને ચૂકવવા માટે આદેશ કર્યા છે. કોર્ટે ટકોર કરી કે, તપાસ માટે મુદ્દામાલની કોઈ જરૂર નથી તેથી પોલીસ કસ્ટડીમાં ન રાખી શકાય. કોર્ટના આદેશ બાદ ટ્રાફિક PIએ પૈસા ચૂકવી દીધા હતા.

આ આ અંગે મળતી વિગત મુજબ થોડાક દિવસો પહેલા અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ તમામ લોકો જે કાયદાનું પાલન નથી કરી રહ્યા તેવા લોકો સામે લાલ આંખ કરી તેમની પાસેથી દંડ વસુલ્યો હતો. પરતું તા.18મી જાન્યુઆરીએ અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર ટ્રાફિક પોલીસ PI ફરજ પર હતા. હેવી વ્હિકલ પર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રેક અંદર આવ્યો હતો. ટ્રાફિક PI એ જાહેરનામા ભંગની કલમ ટ્રક ચાલક પર લગાવી હતી. એવામાં ટ્રકચાલક લાલજીભાઈ પટેલે મુદ્દામાલ છોડાવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

આ મુદ્દે ટ્રક ચાલકે કોર્ટને જણાવ્યું કે, આ ટ્રક પોતાની માલિકીનો છે અને આ માટેના કેટલાક પુરાવાઓ પણ તેની પાસે છે. માલ-સામાનની હેરફેર માટે ટ્રકનો ઉપયોગ થાય છે. પણ જો તે પોલીસ સ્ટેશનમાં પડી રહે તો ટ્રકના પાર્ટને નુકસાન થવાની પૂરી ભીતિ છે. તપાસ માટે વ્હિકલની કોઈ જરૂર નથી. આ રજૂઆત બાદ કોર્ટે વાહનમાલિકની વાત માન્ય રાખી હતી. મુદ્દામાલ માલિકને પરત કરવા માટે પોલીસને આદેશ કર્યો હતો. એવી પણ શરત હતી કે, મુદ્દામાલ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી વેચી શકાશે નહીં. જ્યારે પણ કોર્ટ મંગાવશે ત્યારે રજૂ કરવાનો રહેશે.

વાહનમાલિકે મુદ્દામાલના ફોટા પાડીને આપવાના રહેશે. કોર્ટે કહ્યું કે, પોલીસે રૂ.2000 વાહનમાલિકને આપવાના રહેશે જેનો રિપોર્ટ કોર્ટને કરવાનો રહેશે. આ માટે ટ્રાફિક PI એ.એસ. ડામોરે કહ્યું હતું કે, નિયમ પ્રમાણે વાહન જપ્ત કર્યું છે પણ જ્યારે ભારે વાહનને કારણે અકસ્માત થાય ત્યારે પોલીસને દંડ કરવામાં આવે છે. મુદ્દામાલની અરજી વખતે વાહનમાલિકને મૌખિક રીતે પૂછવામાં પણ આવ્યું હતું. આપેલા પૈસા કોઈ દંડ પેટે ન હતા પણ ખર્ચ પેટે આપવામાં આવ્યા હતા. જે ચૂકવી આપવામાં આવ્યા છે. આ અંગે સેશન કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે.

(6:54 pm IST)