Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વરવી વાસ્તવિકતા :દેશને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનાર 1 કિમી ચાલીને પાણી ભરવા જાય છે

નર્મદાના નામે હવામાં ઉડતા નેતાઓ માટે લપડાક : દરવર્ષે ડાંગમાં 100 ઇંચથી વધુ વરસાદ પડે ચેહ છતાં ઉનાળામાં પાણીની મોકાણ

ડાંગ : ગુજરાતમાં ગત વર્ષે ખૂબ વરસાદ પડયો હતો પરંતુ ઉનાળામાં હજુ પણ કેટલાક ગામડાઓમાં પાણીની બૂમ પડી રહી છે. ત્યારે દર વર્ષે ચોમાસામાં ડાંગમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગની આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી શરૂ થઈ જાય છે. 311 જેટલા ગામડાના લોકોને પાણી ભરવા માટે ઘરેથી દૂર-દૂર સુધી ચાલીને જવું પડે છે. ડાંગના કરાડી આંબા ગામમાં રહેતી અને એશિયન ગેમ્સમાં ભારતને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનારા ચેમ્પિયનને પણ પાણીની સમસ્યાના કારણે પાણી ભરવા માટે એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે.

 અહેવાલ મુજબ ડાંગ જિલ્લામાં આવેલા કરાડી આંબા ગામમાં રહેતી સરિતા ગાયકવાડ આપમેળે મહેનત કરીને 2018ની એશિયન ગેમ્સમાં 400 મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો પરંતુ કમનસીબે જે ગામમાં સરિતા રહે છે તે ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી શરૂ થઇ જાય છે. તેથી 400 મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતાને રોજ તેના ઘરથી દૂર 1,000 મીટર એટલે કે, એક કિલોમીટર ચાલીને કુવામાંથી પાણી ભરવા જવું પડે છે.

 

પાણીની તંગીના કારણે આહવાના સરકારી આવાસોમાં પાણી નથી આવતું. તો અંતરિયાળ ગામડાઓની સમસ્યાનો અંદાજો લગાવી શકાય છે. ડાંગના 311 જેટલા ગામડાઓમાંથી કેટલાક ગામડાના લોકો તો નદીના પટમાં ખાડો ખોદીને તેમાંથી પાણી મેળવે છે.

પાણી ભરવા જઇ રહેલી ઓલિમ્પિક ચેમ્પિયન સરિતાએ જણાવ્યું હતું કે, હું ઓલમ્પિકની તૈયારી માટે હું પોલેન્ડ ગઈ હતી. પોલેન્ડથી પરત આવીને પંજાબના ટ્રેનિંગ સેન્ટરમાં બે મહિના ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ લોકડાઉનનાના સાત દિવસ પછી હું મારા ગામ કરાડી આંબામાં ખાતે પરત આવી હતી. મારા ગામમાં હું મારા માતા-પિતા સાથે રહીને ખેતરનું કામ કરું છું અને કૂવા પરથી પાણી ભરીને લાવું છું. આ મારો રોજનો નિત્યક્રમ બની ગયો છે.

 ડાંગમાં દર વર્ષે 100 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે પરંતુ એક પણ ઉનાળો એવો નહીં હોય કે, ત્યાંના ગામડાના લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડયો હોય. દર વર્ષે ગામડાના લોકોને પાણીની સમસ્યા પડતી હોવાથી વહીવટી તંત્રએ પણ ગામના લોકોને પાણીની સમસ્યા ન પડે તે માટે પાણીની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.

(12:00 pm IST)