Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રીકવરી રેટમાં અમદાવાદે ડંકા વગાડયા

૭૧ ટકા દર્દીઓ સ્વસ્થઃ ચેન્નાઇ- દિલ્હી- મુંબઇને પાછળ રાખી દીધાઃ શહેરમાં માત્ર ૨૨ ટકા જ એકટીવ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. બુધવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં કોરોનાના ૪૮૫ કેસ નોંધાયા હતા. જે અત્યારસુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજયમાં કુલ મૃત્યુઆંક ૧,૧૨૨ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બે માત્ર એવા રાજયો છે જયાં કોવિડ ૧૯થી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ૧ હજારથી વધારે છે.

ગુજરાતમાં કોરોનાના કુલ ૧૮,૧૧૭ કેસ છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૯૦ કેસની સાથે કુલ સંખ્યા ૧૩,૦૬૩ પર પહોંચી છે. જયારે સુરતમાં ૭૭, ગાંધીનગરમાં ૩૯, વડોદરામાં ૩૪ અને બનાસકાંઠામાં ૧૦ કેસ નોંધાયા હતા. કોવિડ ૧૯થી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરોમાંથી એક અને કોરોના પોઝિટિવ કેસના મામલે ચોથો નંબર ધરાવતા અમદાવાદે રિકવરી રેટના મામલે પણ દેશના મુખ્ય શહેરોને પાછળ છોડી દીધા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ બુધવારે જણાવ્યું હતું કે, ૨ જૂન સુધીમાં નોંધાયેલા ૧૨,૫૨૫ કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓમાંથી ૮,૮૮૯ અથવા ૭૧ ટકાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં હવે માત્ર ૨૨ ટકા એકિટવ કેસ છે. 'જૂનના પહેલા અઠવાડિયામાં રિકવરી રેટ ૧૭ ટકા હતો જે વધીને મે મહિનાના પહેલા અઠવાડિયામાં ૭૧ ટકા થયો છે. એકિટવ કેસ પહેલા ૭૮ ટકા હતા, જે ઘટીને ૨૨ ટકા થયા છે', તેમ અધિકારીએ જણાવ્યું.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે, આ માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) ડિસ્ચાર્જ માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. જે મુજબ જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ કોઈ લક્ષણો દેખાતા નથી તો તેમને ડિસ્ચાર્જ કરીને હોમ કવોરન્ટિન કરી શકાશે. આ સિવાય જેઓ સારવાર હેઠળ છે અને ૧૦ દિવસ બાદ તેમનામાં લક્ષણો નથી દેખાતા તો તેમને નેગેટિવ RC-PCR ટેસ્ટ સિવાય ડિસ્ચાર્જ કરી શકાય છે.

ACS અને કોવિડ-૧૯ સામેની લડાઈમાં અમદાવાદના ઈન-ચાર્જ તરીકે નિયુકત કરાયેલા રાજિવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, AMCએ કોવિડના તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પૂરતું ધ્યાન રાખ્યું છે. 'પહેલા માત્ર સિવિલ અને SVP હોસ્પિટલ જ કોરોનાના દર્દીઓની સારવાર કરતી હતી પરંતુ હવે ૫૦ જેટલી અન્ય હોસ્પિટલો સારવાર આપી રહી છે. જેનાથી રિકવરી રેટમાં ઝડપથી વધારો થયો છે', તેમ ગુપ્તાએ કહ્યું.

તેમણે ઉમેર્યું કે, ધનવંતરી યોજના હેઠળ લક્ષણો ધરાવતાં ૧.૩૭ લાખ લોકોને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓથી સારવાર કરવામાં આવી, જેણે પણ ઘણી મદદ કરી. 'હોટેલોમાં કોવિડ કેર સેન્ટર્સ તરીકે ૩ હજાર બેડ ઊભા કરવાની યોજનાએ હોસ્પિટલનો ભાર ઓછો કર્યો અને આઈસોલેશન તેમજ રિકવરીની સંખ્યા વધારી', તેમ ગુપ્તાએ કહ્યું.(૨૩.૫)

(9:35 am IST)