Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

બટન દબાવતાની સાથે જ સ્વૈચ્છિક સંસ્થાઓની માહિતી સામે દેખાશે

રાહત કમિશનર કચેરીએ વિકસાવ્યો અદ્યતન સોફટવેર : વરસાદના આંકડાની દર બે કલાકે ઓનલાઈન એન્ટ્રી થશે

રાજકોટઃ. રાજ્યના મહેસુલ વિભાગ હેઠળની રાહત કમિશનર કચેરી દ્વારા અછતના દિવસોમાં અસરગ્રસ્તો માટે પદ્ધતિસર આયોજન કરાયેલ તે જ રીતે ચોમાસાની મોસમની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. સંભવિત પુર-વાવાઝોડાના પ્રતિકાર માટે આધુનિક ટેકનોલોજી આધારીત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત રાજ્યની તમામ સ્વૈચ્છીક સંસ્થાઓની નામ-સંપર્ક નંબરની સહિતની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. આ કામગીરી પૂર્ણતાના આરે છે.

ભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે વૈકલ્પીક આશ્રય, ફુડ પેકેટ વગેરેની જરૂરીયાત રહે છે. સરકારી તંત્ર જે તે વખતે સ્થાનિક સંપર્કોના આધારે સેવા મેળવવા પ્રયાસ કરે છે. આ વખતે કમિશનર કચેરી દ્વારા રાજ્યભરની તમામ સ્વૈચ્છીક સંસ્થાઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. એક કલીક કરતાની સાથે જ તંત્રને કયા વિસ્તારમાં કઈ સંસ્થા ઉપયોગી થઈ શકે તેમ છે તેની માહિતી મળી જશે. સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી પ્રજાલક્ષી સેવા ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. કચેરી દ્વારા વરસાદના આંકડાઓની ઓનલાઈન એન્ટ્રી માટે સોફટવેર તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જિલ્લાવાર આંકડા વડી કચેરીને મોકલી ત્યાંથી રાજ્યના વરસાદના આંકડાનું સંકલન કરવામાં આવતુ. નવી પદ્ધતિ મુજબ જિલ્લાવાર દર બે કલાકે વરસાદના આંકડાઓની એન્ટ્રી થઈ જશે. સરકારી તંત્રના સમયની બચત થશે અને આખા રાજ્યનું વરસાદનંુ ચિત્ર કોમ્પ્યુટરનું બટન દાબતાની સાથે જ સામે આવી જશે. કમિશનર કચેરી દ્વારા વરસાદ અને બચાવ, રાહતને લગતી અન્ય કેટલીક કામગીરીનું પણ આધુનિકરણ વિચારાઈ રહ્યુ છે.

(3:30 pm IST)