Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સુઝુકીઅે ગુજરાતમાં બે કરોડમી કારનું નિર્માણ કર્યુંઃ જાપાન પછી ભારત બીજો અેવો દેશ બન્યો જ્યાં આટલી મોટી સંખ્‍યામાં કારનું પ્રોડકશન થયુ હોય

ફોટોઃ gujarat plant ma suzuki e bnavi 2 karod mi gaadi

અમદાવાદઃ સુઝુકીએ ભારતમાં બે કરોડ કારના પ્રોડક્શનનો આંક વટાવ્યો છે. કંપનીની બે કરોડમી કાર સ્વિફ્ટનું પ્રોડક્શન ગુજરાતના પ્લાન્ટમાં થયું હતું. જાપાન પછી ભારત બીજો એવો દેશ છે, કે જ્યાં સુઝુકીએ આટલી કાર્સનું પ્રોડક્શન કર્યું હોય. સુઝુકીએ આ મુકામ 34 વર્ષ અને 5 મહિનાના ગાળામાં હાંસલ કર્યો છે. જ્યારે, જાપાનમાં આટલું જ પ્રોડક્શન કરતા તેને 45 વર્ષ અને 9 મહિના થયા હતા.

સુઝુકીના બે કરોડ યુનિટ્સમાંથી સૌથી વધુ પ્રોડક્શન તેના સૌથી પોપ્યુલર મોડેલ અલ્ટોનું થયું છે. સુઝુકીએ અત્યાર સુધી 31.7 લાખ અલ્ટો કારનું પ્રોડક્શન કર્યું છે. કંપનીએ 1983થી ભારતમાં પોતાની શરુઆત કરી હતી, અને તેણે મારુતિ સાથે મળીને પહેલી કાર મારુતિ 800 બનાવી હતી. ત્યારથી આજ સુધી સુઝુકીએ પાછું વળીને નથી જોયું.

આજે સુઝુકી ગુરગાંવ, માનેસર તેમજ ગુજરાતમાં આવેલા પોતાના પ્લાન્ટ્સમાં ગાડીઓનું ઉત્પાદન કરે છે. હાલની તારીખમાં સુઝુકીના કુલ 16 મોડેલ્સનું પ્રોડક્શન ચાલુ છે. જેમાં ડિઝાયર, બલેનો, અલ્ટો, સ્વિફ્ટ, વેગનઆર અને વિતારા બ્રિઝાનો પણ સમાવેશ થાય છે. 2017માં કંપનીએ 17.8 લાખ યુનિટ્સનું પ્રોડક્શન કર્યું હતું.

ગયા વર્ષમાં સુઝુકીએ બનાવેલી 17.8 લાખ ગાડીઓમાંથી 16.5 લાખ ગાડીઓ ભારતમાં વેચાઈ હતી, જ્યારે 1.3 લાખ યુનિટ્સ 100 જુદાજુદા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. ભારતના ત્રણ પ્લાન્ટ્સમાં બનતી સુઝુકીની ગાડીઓ યુરોપ, જાપાન, એશિયા, આફ્રિકા તેમજ લેટિન અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે.

(6:24 pm IST)