Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોટ વિસ્તાર : રાતે લોકડાઉન પાલનની માટે બાઈક સ્કવોડ

સાયરન-લુમેક્સ લગાવેલા બાઇક દ્વારા પેટ્રોલિંગ : પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા શહેરના ખાડિયા સહિતના સૌથી વધારે કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

અમદાવાદ,તા.૪ : અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કારણે રોજેરોજ કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં રાતે હજુ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ખુદ રાજય સરકાર અને તંત્ર દ્વારા સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવાયો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાઇક સ્કવોડનો અનોખો પ્રયોગ હાથ ધરી નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાતે અમદાવાદ પોલીસની ખાસ બાઇક સ્ક્વોડ સાંકડી ગલીઓ અને પોળમાં નીકળે છે અને જો કોઈ દેખાય તો તેની સામે કાર્યવાહી કરી રહી છે. પોલીસની આ બાઇક સ્કવોડ ખાસ કરીને કોટ વિસ્તારના સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારો, પોળો અને સાંકડી ગલીઓ-મહોલ્લામાં મુખ્ય ફોકસ કરી રહી છે. મોડી રાતે શહેરના કોટ વિસ્તારમાં લોકો ઘર બહાર નીકળે તેવા સમયે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખાસ વોચ રાખવા માટે બાઇક સ્ક્વોડ શરૂ કરવામાં આવી છે. જેમાં બાઇક પર સાયરન લગાડવામાં આવી છે તેમજ લુમેક્સ લગાવવામાં આવી છે. જેના કારણે ઘણી પબ્લીક રસ્તા પર આવતી ઓછી થઈ ગઈ છે. બાઇક સ્કવોડનો શહેર પોલીસનો આ પ્રયોગ સફળ થતો જણાઇ રહ્યો છે. દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આજે શહેરના ખાડિયા સહિતના સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી  હતી અને ત્યાં લોકડાઉનના પાલન, પોલીસની કામગીરી, સુરક્ષા સહિતના સઘળા પાસાઓની સમીક્ષા કરી હતી અને જાતમાહિતી મેળવી હતી.

(9:35 pm IST)