Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

અમદાવાદમાં કોરોનાથી આઝાદી મળ્યાનો માહોલઃ હોટસ્પોટ કોટ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી ગયાઃ એલિસબ્રિજ પર ટ્રાફિક જામ

વાહનોની લાંબી લાઈનો લાગતા પોલીસે તપાસ વધુ કડક કરી

 અમદાવાદ : આજથી લોકડાઉંન-૩ શરૂ થયું છે ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા કેસોને લઈને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. તો પણ આજે નદી પાર કોટ વિસ્તારમાં લોકો વાહનો લઈને નીકળી પડ્યા હતા. વાહનોની લાંબી લાઈનો લાગતા પોલીસે તપાસ વધુ કડક કરી છે. વિસ્તારમાં આવતા જતા તમામ લોકોનું વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે અને બહાર નીકળવાના કારણો મેળવવામાં આવી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ સમયે કોટ વિસ્તારમાં પરિસ્થિતિ કાબુમાં લેવા પહોંચી ગયા હતા. સમગ્ર અમદાવાદના કેટલાય રસ્તાઓ ઉપર આજથી જાણે કે કોરોનાથી આઝાદી મળી ગઈ હોય અને લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદના પશ્યિમ વિસ્તાર સહીત કોટ વિસ્તારમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જુદા જુદા બહાના કાઢીને નીકળેલા લોકો ઉપર પોલીસે કાયદાની કડકાઈ વર્તી હતી. કોટ વિસ્તારમાં એલિસબ્રિજ ઉપર ટ્રાફિક થઈ ગયો હતો. કેટલાક લોકો પરિવાર સાથે વાહનો લઈને જાણે કે ટહેલવા નીકળી પડ્યા હતા. આવા તમામ લોકોની પોલીસે કડકાઈથી પૂછપરછ કરી પાછા દ્યરે તગેડી મુકયા હતા તો કેટલાકના વાહનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

(4:15 pm IST)