Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાને કાબૂમાં લેવા શહેરના પાંચ મહત્વના બ્રીજ બંધ કરાયા

અમદાવાદમાં સ્ફોટક સ્થિતિ : ૧૦ વોર્ડ રેડઝોનમાં : તમામ લોકો ૧૪ દિન સુધી ૧૦૦ ટકા લોકડાઉનનું પાલન કરે તો કોરોના પર કાબૂ આવશે : મ્યુનિ.કમિ.ની ચેતવણી

અમદાવાદ,તા.૩  : સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાનો જબરદસ્ત કોહરામ મચ્યો છે ત્યારે સૌથી વધુ ગંભીર, સ્ફોટક અને બેકાબૂ સ્થિતિ અમદાવાદમાં શહેરની છે. અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજ સુધી નવા ૨૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ દર્દી મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૩,૫૪૩ કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક ૧૮૫ થયો છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઇ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજે શહેરના વધુ બે વિસ્તારો મણિનગર અને ગોમતીપુરને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં શહેરના ૧૦ વોર્ડને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.આ ૧૦ વોર્ડ માટે ૧૦ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. રમઝાનની ઉજવણી ઘરે રહીને જ કરવાની છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ, દિવસ હોય કે રાત કોઈપણ સંજોગોમાં ઘર બહાર નહીં નીકળવાનું અને સવારના ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી અનિવાર્ય સંજોગોમાં જ મર્યાદિત સંજોગોમાં ઘર બહાર નીકળવાનું છે.

               જ્યારે સાંજના ૭થી સવારના ૭ વાગ્યા સુધી બહાર નીકળવાનું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરમાં ૨૫૦ નવા કેસ નોંધાયા છે અને ૨૦ મૃત્યુ થયા છે જ્યારે ૬૯ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ કુલ એક્ટિવ કેસ ૨૮૧૫ છે અને ૩૭ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૨૭૭૮ દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલ સુધીમાં ૫૨૫ દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે આજે એસવીપી હોસ્પિટલમાંથી એક સાથે ૫૦ દર્દીને રજા આપવામાં આવશે. ટેસ્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩૦૧૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ ૧૦ લાખની વસતિએ ૫૦૨૮ ટેસ્ટ કરી રહ્યાં છીએ. વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, ઘણા લોકો પૂછે છે કોરોના પર ક્યારે કાબૂ આવશે, હું કહું એક સાથે મળીને તમામ લોકોએ ૧૪ દિવસ લોકડાઉનનું પાલન કરવું પડે. તેનું કારણ છે આ વાઈરસ કોઈપણ વ્યક્તિમાં જાય તો ૧૪ દિવસમાં મોટાભાગના વ્યક્તિ હરાવી દે છે. લોકડાઉનના આંશિક પાલનથી કાબૂ આવશે નહીં.

                 આપણે લોકડાઉનનું ૧૦૦ ટકા પાલન કરવું પડશે. કોરોનાના વધતા જતા કેસોના પગલે અમદાવાદમાં પૂર્વમાં ૯ વિસ્તારમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. લોકો રેડ ઝોનમાંથી ઓરેન્જ અને ઓરેન્જમાંથી રેડ ઝોનમાં ન જાય તે માટે થોડા દિવસ પહેલા જ દધિચી, ગાંધી અને નહેરુબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસે આજે વધુ બે બ્રિજ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે. જમાલપુર અને આંબેડકરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે. હવે માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યાં છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨૦ લોકોના મૃત્યુ થયા હતા. એક જ દિવસમાં ૨૦ મૃત્યુ થયા હોવાની આ પહેલી ઘટના છે. ૨૦માંથી ૧૪ મૃત્યુ રેડ ઝોન જાહેર કરેલા જમાલપુર, દાણીલીમડા, ખાડિયા, ગોમતીપુર વિસ્તારના છે.  અમદાવાદના રેડ ઝોન વિસ્તારોમાં મણીનગર, ગોમતીપુર, શાહપુર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર, અસારવા અને ખાડિયાનો સમાવેશ થાય છે.

(9:36 pm IST)