Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

અમદાવાદ જિલ્લામાં વધતો કોરોનાનો આતંક : કેસો ૪૬

બોપલ-સાણંદમાં વધુ ચાર કેસ આવતાં ચકચાર : ૪૬૪ ગામોમાં એકસાથે સેનીટાઝેશન કામગીરીનો પ્રારંભ

અમદાવાદ,તા.૩ :  અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ દિવસે દિવસે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયો છે . ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં કુલ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ બોપલ વિસ્તારમાં નોંધાયો છે અને એક સાણંદમાં નોંધાયો છે,  જો કે, અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૪૬ કેસ નોંધાયા છે જેમાં ૧૬ લોકોને સાજા થયા  છે અને ૪૬ કેસમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ હવે કોરોનાનો કહેર વધતો જાય છે. આજે અમદાવાદ જિલ્લામાં વધુ ચાર કેસ નોંધાયા છે.  જેમાં બોપલના ત્રણ અને સાણંદના એક કેસનો સમાવેશ થાય છે. ગઇકાલે પણ શહેરને અડીને આવેલા બોપલમાં વધુ બે કેસ, ધોળકા, બાવળા, કઠવાડા અને ગતરાડ ગામમાં એક-એક કેસ નોંધાયા હતા. આ સાથે જ અત્યારસુધી જિલ્લામાં કુલ ૪૬ કેસ નોંધાયા છે.     

              બીજીબાજુ, આજથી અમદાવાદ જિલ્લાના સેંકડો ગામોને કોરોના સંક્રમણથી બચાવવા અને કોરોનાનો ફેલાવો અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ નીચે જિલ્લાના ૪૬૪ ગામોમાં એક સાથે સેનીટાઇઝેશન કરવાની રાજયમાં સૌપ્રથમવાર રેકોર્ડબ્રેક કામગીરી હાથ ધરાઇ હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવા સેનિટેાઇઝેશન એ ખૂબ મહત્વની બાબત છે, ત્યારે આ કામગીરી માટે કુલ ૩ લાખ લિટરથી વધુ દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી આ માસ મુવમેન્ટ હાથ ધરવામાં આવી છે.

(9:33 pm IST)