Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ભારેખમ સ્વીપર સાથે સાત મજૂર ખાડીમાં પડતા બે મોત

સુરજબારીમાં રેલવે ઓવરબ્રીજ ખાતેનો બનાવ : જૂના પુલની કામગીરી વેળા ટ્રેન પસાર થતાં પુલ વાઈબ્રેટ થયો અને અકસ્માત : ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

અમદાવાદ, તા.૪ : ભચાઉના સુરજબારી બંદર પાસે રેલવેના જુના પુલની સમારકામની કામગીરી દરમિયાન આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રેલવે પુલ પરથી માલગાડી પસાર થતાં પુલ વાઇબ્રેટ થતાં જૂના પુલની સમારકામની કામગીરી કરી રહેલા સાત મજૂરો ટ્રોલી રેફ્યુઝના પ્લેટફોર્મ પરથી સ્લીપર સાથે ખાડીમાં પટકાયા હતા. જેમાં બે મજૂરના નીચે પટકાવાના કારણે ગંભીર ઇજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યા હતા. જયારે અન્ય ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પુલ ઉપર કામ કરતા પટકાયેલા પાંચ લોકોને ઇજાઓ થતાં ૧૦૮ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પુલ પરથી ખાડીમાં પટકાયેલા લોકોને સામખયારી પોલીસ તેમજ સુરજબારી ચેરા વાંઢ ગામના લોકોની મદદથી બોટ તેમજ ટોલ નાકાની ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ગંભીર ઇજાઓ થવાના કારણે બે મંજૂરોના કરૂણ મોત નીપજયા હતા. જેમાં બબલુ ઉર્ફ ઈશ્વરલાલ વિષ્ણુ ગોતે (ઉ.વ.૨૭, મહારાષ્ટ્ર) અને શૈલેષ ફતેસિંગ જાટ (ઉ.વ.૨૫, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. બંનેના મૃતદેહોને પીએમ માટે લાકડીયા સીએચસી સેન્ટર ખસેડાયા હતા. જ્યારે લક્ષ્મણ માનકરાવ દાંડેકર (ઉ.વ.૨૮), રાજકુમાર ભગવાનજી ખુલવા (ઉ.વ.૨૨) અને કિશોર રામજી ગોતે (ઉ.વ.૩૦)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખેસડાયા હતા. અકસ્માતની આ દુર્ઘટનામાં પરપ્રાંતીય બે મજૂરો ભોગ બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:46 pm IST)