Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

પદ્માવતના વિરોધ દરમ્યાન થયેલા કેસોને પાછા ખેંચાશે

સરકારના નિર્ણયને પગલે મોટી રાહત થઈ : ગૃહવિભાગે રાજ્ય પોલીસ વડાને પત્ર લખી બધા કેસોની માહિતી માંગી : કેસમાં અભ્યાસ કરાયા બાદ નિર્ણય થશે

અમદાવાદ,તા. ૪ : બહુચર્ચિત અને જે તે વખતે બહુ વિવાદોમાં ફસાયેલી ફિલ્મ પદ્માવતના વિરોધમાં થયેલા રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા કરાયેલા આંદોલન દરમ્યાન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા કેસોને હવે રાજ્ય સરકાર પાછા ખેંચવામાં આવશે. સરકાર દ્વારા આ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ, સરકારના આ હકારાત્મક અભિગમને લઇ રાજપૂત સમાજ અને કરણી સેનામાં ખુશીની લાગણી ફેલાવા પામી છે. ફિલ્મ પદ્માવતના વિરોધમાં થયેલા રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા કરાયેલા આંદોલન દરમ્યાન ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ સહિત રાજયભરમાં કરવામાં આવેલા જુદા જુદા કેસો બાબતે રાજ્યના ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા પાસેની વિગતવાર માહિતી માંગવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તા.૧૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ફિલ્મ પદ્માવતના વિરોધ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા રાજ્ય સરકારને રજુઆત મળી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારે કેસો પરત ખેંચવાનો નિર્ણય લેતા નોંધાયેલા કેસોની જિલ્લાવાર અદ્યતન માહિતી ગૃહ વિભાગને તાત્કાલિક મોકલી આપવી. આમ, ગૃહવિભાગ હવે રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) પાસેથી તમામ વિગતો જાણ્યા બાદ અને તેની ખરાઇ કરીને ફિલ્મ પદ્માવતના આંદોલન દરમ્યાન થયેલા તમામ કેસો પાછા ખેંચી લેશે. સરકારના આ નિર્ણય અને હકારાત્મક અભિગમને પગલે રાજપૂત સમાજ અને કરણી સેનાને એક રીતે બહુ મોટી રાહત મળી છે.

તેમણે સરકારના નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, જે તે વખતે પદ્માવત ફિલ્મને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા જોરદાર વિરોધ-આંદોલનો થયા હતા, જેમાં અમદાવાદમાં પણ જુદા જુદા મલ્ટિપ્લેક્સ સહિતના થિયેટરોમાં તોડફોડ, વાહનોમાં આગચંપી સહિતના અનેક બનાવો નોંધાયા હતા.

(8:58 pm IST)