Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ખેડા: નેશનલ હાઇવે પર આઇશર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવાનનું ઘટનાસ્થળેજ મોત: એકને ઇજા

 ખેડા:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા ગામડી ગામનો ઓવરબ્રીજ ઉતરતાં આઈશર એકદમ આડું થઈ જતાં બાઈક સાથે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતુ જ્યારે ચાલકને ઈજાઓ થવા પામતાં તેને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર ઈસ્માઈલનગરના ઉમરીનગરમાં રહેતા સફાન ગુલામરસુલ વ્હોરા ગઈકાલે પોતાના મિત્ર સુભાન સાથે બાઈક લઈને ઈસ્માઈલનગરથી બાઈકની બેટરી લેવાની હોય ચીખોદરા તરફ જવા નીકળ્યા હતા. બારેક વાગ્યાના સુમારે ગામડી ઓવરબ્રીજ ઉતરતાં જ આગળ જતા આઈશર ટેમ્પો નંબર જીજે-૨૩, ડબલ્યુ-૪૮૨૬ના ચાલકે એકદમ ટેમ્પો આડો કરતી દેતાં ચાલકે શોર્ટ બ્રેક મારી હતી એ સાથે જ બાઈક સ્લીપ ખાઈ ગયું હતુ અને ટેમ્પા સાથે ભટકાયું હતુ જેમાં સફાનને કપાળ, આંખ ઉપર ઈજાઓ થવા પામી હતી જ્યારે સુભાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બન્નેને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સુભાનનું (ઉ. વ. ૨૭)અવસાન થયું હતુ. 

(5:19 pm IST)